કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વટવા વિસ્તારમાં વર્ષ 2021માં 13 વર્ષિય સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર 22 વર્ષિય આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી છે.આ સાથે જ સ્પે. પોક્સો કોર્ટે નોંધ્યુ હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, આખોય કેસ નિઃશંકા પણે પુરવાર થાય છે,ત્યારે આવા કેસમાં આરોપી સામે દયા ન દાખવી શકાય, દાખલા રૂપ સજા કરવી ન્યાયોચિત છે.
શહેરના વટવા વિસ્તારમાં ભાડે રહેતો 22 વર્ષિય દર્શન શત્રુદનદાસ દાસ તેના જ વિસ્તારમાં રહેતી 13 વર્ષિય નેહા(ઓળખ છુપાવા નામ બદલ્યું છે)નું 1 ઓક્ટોબર 2021ના રોજ અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ તે સગીરાને બિહાર લઇ ગયો હતો અને ત્યાં અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે સગીરાના પિતાએ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઇ તેની સામે સ્પે. પોક્સો કોર્ટમાં ચાર્જશીટ કરી હતી.
આ કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ હિમાંશુ શાહે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ નિઃશંકાપણે પુરવાર થાય છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓને ઓળખી બતાવ્યો છે, મેડિકલના પુરાવા જોઇએ તો તે ફરિયાદ પક્ષને સાબીત કરે છે, આરોપીએ અપહરણ કર્યું હોવાનું અને બળાત્કાર ગુજાર્યાનું પણ સાબીત થાય છે. આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ભય રહે તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.