કાર્યવાહી@અમદાવાદ: ૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા કોર્ટે ફટકારી

 કિશોરી સાથે ગંભીર કૃત્ય આચર્યું
 
કાર્યવાહી@અમદાવાદ: 13 વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારનાર આરોપીને 20 વર્ષ કેદની સજા કોર્ટે ફટકારી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

૧૪ વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનારને પોક્સોના ખાસ જજ મનોજ બી. કોટકે ગુનેગાર ઠરાવીને 20 વર્ષની સખ્ત કેદ અને દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનેલી કિશોરીને સિટી સિવિલ કોર્ટ લીગલ સર્વિસ કમિટીમાંથી ભોગ બનનારને રૂ.૩ લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે. કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવતા નોંધ્યુ હતુ કે, આરોપી સામે કિશોરી સાથે ગંભીર કૃત્ય આચર્યું હોવાનું પુરવાર થયું છે.

આરોપીએ આચરેલા કૃત્ય તેને ભાન થાય અને સમાજમાં દાખલો બેસે તે માટે ન્યાયના હિતમાં સજાનો હુકમ કરવામાં આવે છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષના આઈવન ઉર્ફે બાબુસ વીજુભાઈ પાઉલ ડાયસ તેના જ વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની રેખા (ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે)ને તા. ૧૭-૪ -૨૦૧૯ના રોજ લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને રાજસ્થાનના ઝાલોર લઈ ગયો હતો. ત્યાં ધર્મશાળામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી ગુમ થતા પરિવાર દ્વારા શોધખોળ શરૂ કરી હતી અને નરોડા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી આઈવન ઉર્ફે બાબુસ વીજુભાઈ પાઉલ ડાયસની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં આરોપી આઈવન સામે પોક્સોની ખાસ કોર્ટમાં તપાસનીશ અધિકારીએ ચાર્જશીટ દાખલ કર્યું હતું.

આ કેસ ચાલતા સરકારી વકીલ કમલેશ જૈન અને મીનલ યુ. ભટ્ટે ૧૬ સાક્ષી તપાસી અને ૨૦ દસ્તાવેજી પુરાવા રજૂ કરી એવી દલીલ કરી હતી કે, ગંભીર પ્રકારનો કેસ છે, આરોપીને ફરિયાદી સહિતના સાક્ષીઓએ ઓળખી બતાવ્યો છે, આરોપી સામે દસ્તાવેજી પુરાવા પણ સાબિત થયા છે, આવા કિસ્સા સમાજમાં વધી રહ્યાં છે ત્યારે આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાનમાં રાખી આરોપીને સખતમાં સખત સજા કરવી જોઇએ.