કાર્યવાહી@રાજકોટ: મહિલા સાથે લૂંટ કર્યા બાદ દુષ્કર્મ ગુજારનાર ભુવાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં દુષ્કર્મ,ચોરી,લુંટફાટના ગુનાઓ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી દુષ્કર્મના ગુનાઓ સામે આવતા હોય છે. 10 વર્ષ પહેલા ભુવા તરીકે કામ કરતા આરોપી તુષાર મકવાણાએ ભોગ બનનાર મહિલાને તેણીની પાસેના સોનાના દાગીના શ્રાપિત હોવાનુ જણાવી દાગીના આપવા આવનાર મૃતકની હત્યા કરી તેણી સાથે દુષ્કર્મ કર્યાના પૂરાવા મળતા રાજકોટના અધિક સેશન્સ જજ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ગત તા. 14.05.2013ના રોજ વહેલી સવારે આરોપી તુષાર કિશોરભાઈ મકવાણા (ઉં.વ.33)એ મરણ જનાર મહિલાને તેની પાસેના સોનાના દાગીના શ્રાપિત હોવાનુ જણાવી આ દાગીના લઈને આવવાનું કહેતા યુવતી પોતાની દીકરીના કરિયાવરના તમામ દાગીનાઓ લઈને આરોપી પાસે ગયા હતા. આરોપીએ મહિલાને પોતાની ગાડીમાં આટકોટ ગામથી 3 કિમી દૂર ઉજ્જડ વિસ્તારમાં લઈ જઈ તેણીનુ ગળું દબાવી હત્યા કરી હતી. આ ઉપરાંત તેણીને છરી વડે શરીરના વિવિધ ભાગો ઉપર ઈજા કરી હતી. ત્યારબાદ મહિલાની લાશને ત્યાં જ ફેંકી દઈ પોતાની ગાડી લઈને જતો રહ્યો હતો.
બીજા દિવસે આ ઉજ્જડ વિસ્તારમાથી લાશ મળી આવતા પોલીસે લાશની બાજુમાં પડેલ મોબાઈલ ફોનમાં છેલ્લો મોબાઈલ નંબર ફરીથી ડાયલ કર્યો હતો. આ મોબાઈલ યુવતીના પતિને લાગતા પતિ સામતભાઈએ જણાવ્યું કે, આ મહિલા તેઓના પત્ની છે. લાશનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેણીના કપડા કબ્જે કરવામાં આવ્યા હતા અને તેના ચણિયા ઉપર વીર્યના ડાઘ મળી આવ્યા હતા. મૃતકના પતિએ અજાણ્યા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ કરતા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતક યુવતી રાત્રિના 12 વાગ્યે પોતે હોસ્પિટલ જાય છે તેમ પોતાની દીકરીને કહીને ઘરેથી નીકળી ગઈ હતી. દિકરીનુ 2 દિવસ બાદ નિવેદન લેતા જાણવા મળ્યું કે, દીકરીના કરિયાવરના દાગીનાઓ ઘરમા નથી. તપાસ દરમિયાન મૃતક યુવતી આરોપી તુષાર મકવાણા સાથે ગયેલ હોવાનુ જણાતા પોલીસે આ આરોપીની શોધખોળ કરી તેને પકડી પાડ્યો હતો. પોલીસ રિમાન્ડ દરમિયાન આ આરોપીએ મૃતક યુવતીને જે છરી વડે ઈજા કરી હતી તે છરી અને કાર કાઢી આપ્યા હતા.
આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ થયા બાદ કેસ ચાલી જતા આરોપી તરફે રજૂઆત કરવામા આવી હતી કે, આ આરોપીએ મૃતક મહિલાને બોલાવેલ હોય અને તેણીની હત્યા કરેલ હોય તેવા કોઈ નજરે જોના૨ સાક્ષી કે બીજા કોઈ પૂરાવા મળી આવેલ નથી. જેથી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. સ૨કા૨ તરફે જિલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજુઆત કરી જણાવ્યું હતું કે, મૃતક મહિલાના ચણિયા ઉ૫૨ જે વીર્યના ડાઘ મળ્યા છે તે ''ઓ'' બ્લડ ગૃપનુ છે અને આરોપીનુ લોહી પણ 'ઓ' ગૃપનુ છે. આરોપી બનાવના 2 દિવસ બાદ ઝડપાયેલ છે અને મૃતકની અતિમક્રિયા 12 કલાકની અંદર પૂરી ક૨વામા આવી હતી.
આ સંજોગોમાં મૃતક યુવતી અને આરોપીના બ્લડ ગૃપ કયા છે તે કોઈપણને જાણ ન હોય. આરોપીનુ વીર્ય મૃતકના ચણિયા ઉ૫૨ મળી આવેલ તે સાંયોગિક ન કહી શકાય. આ ઉપરાત આરોપીએ જે છરી કાઢી બતાવેલ છે તેમા પણ મૃતક યુવતીનુ ''એ'' બ્લડ ગૃપ મળી આવેલ છે. જે સમયે આરોપી પાસેથી છરી કબ્જે ક૨વામા આવેલ તે સમયે યુવતીનુ બ્લડ ગૃપ કયુ હતું તે કોઈને જાણ નહોતી. આથી, આરોપીએ જે છરી કાઢી આપેલ છે તે છરી ઉ૫૨ વૈજ્ઞાનિક પરીક્ષણના અંતે 3 માસ બાદ મહિલાનું જ બ્લડ ગૃપ મળી આવેલ તે હકિકત પણ સાંયોગિક ન કહી શકાય.
વધુમા ૨જુઆત ક૨વામા આવી હતી કે, મૃતક મહિલા પાસેના જે દાગીનાઓ લૂંટી લેવામા આવ્યા હતા તે દાગીનાઓ આરોપીએ લોન મેળવવા માટે બેંકમા ગી૨વે મૂક્યા હતા. તેમજ અમુક દાગીના સોનીને વહેંચી નાખવામાં આવેલ હતા. આ તમામ દાગીનાઓ તપાસ દરમિયાન પોલીસે કબ્જે કરેલ તે દાગીનાઓ મૃતક યુવતીની દીકરીએ પોતાના કરિયાવરના હોવાનુ ઓળખી બતાવેલ છે. આ તમામ સંજોગો ધ્યાનમાં લેતા મૃતક યુવતીની હત્યા અને બળાત્કાર કરનાર ઈસમ હાલનો આરોપી તુષાર કિશોરભાઈ મકવાણા એકમાત્ર હોય શકે તેમ અનિવાર્યપણે માનવાપાત્ર છે. આ તમામ રજૂઆતોના અંતે અધિક સેશન્સ જજ બી.બી. જાદવ દ્વારા આરોપી તુષાર કિશોરભાઈ મકવાણાને ગુજરનાર યુવતીની હત્યા સબબ તકસીરવાન ઠરાવી આજીવન સખ્ત કેદની સજા ફરમાવેલ છે.