કાર્યવાહી@રાજકોટ: ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટે 1વર્ષની સજા ફટકારી, જાણો વિગતે

ચેકની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજા
 
 કાર્યવાહી@રાજકોટ: ચેક રિટર્ન કેસમાં આરોપીને કોર્ટે 1વર્ષની સજા ફટકારી, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

15 લાખના ચેક રિટર્ન કેસમાં આકાશ હિતેશભાઈ ભાડેસીયાને અદાલતે એક વર્ષની સજા ફટકારી છે. અને ચેકની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ આરોપી આજી જીઆઇડીસીમાં આવેલ પી.એન.પી. કોર્પોરેશન કંપનીમાં નોકરી કરતો હતો. આરોપીને લોન ભરવી હોય તેણે રૂપિયાની જરૂરિયાત પડતા કંપનીના ભાગીદાર નરેશભાઈ ગુણવંતભાઈ શેઠ પાસેથી હાથ ઉછીની મોટી રકમ લીધી હતી.

આ રકમ ચૂકવવા તેણે જુદા જુદા ચેક આપ્યા હતા. તે પૈકી રૂ।.15 લાખનો ચેક રિટર્ન થયો હતો.

ફરિયાદીએ આરોપીને આ અંગે જાણ કરી અને લીગલ નોટિસ પણ મોકલી. નોટિસ મળી જવા છતાં આરોપીએ રકમ ચૂકવી નહોતી. અંતે ફરિયાદી નરેશભાઈ શેઠે આરોપી આકાશ ભાડેસીયા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસ ચાલી જતા ફરિયાદીના વકીલે કરેલી લેખિત મૌખિક દલીલો, રજૂ રાખેલા દસ્તાવેજી પુરાવા, વિવિધ કોર્ટના ટાંકેલા ચુકાદા ધ્યાને લઇ રાજકોટના 10મા મેજી. જજ જે.વી. પરમારે આરોપી આકાશને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. ઉપરાંત ચેકની રકમ વળતર પેટે એક માસમાં ન ચૂકવે તો વધુ 6 માસની સજા ફરમાવી હતી. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ બીનેશ એચ. પટેલ અને રાજેશ પટેલ રોકાયેલા હતા.