કાર્યવાહી@ગુજરાત: હાઈકોર્ટે ગૂમ 9 ગુજરાતીઓને લઈ વિદેશ મંત્રાલયની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતના 9 લોકો અમેરિકા જવા માટે ગત જાન્યુઆરી માસમાં નિકળ્યા હતા. જેઓ ગુજરાતથી નિકળ્યા બાદ 4 ફેબ્રુઆરીથી તેમની સાથે તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નથી. જેને લઈ તેમના પરિવારે ગત જુલાઈ માસમાં આખરે પોલીસ ફરિયાદ એજન્ટો વિરુદ્ધ નોંધાવી હતી. સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ મથકે સૌ પ્રથમ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ મહેસાણામાં પણ એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ હતી. બાદમાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં હવે હાઈકોર્ટે ગૂમ 9 ગુજરાતીઓને લઈ વિદેશ મંત્રાલયની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે.
9 માસથી કોઈ જ ભાળ ગૂમ લોકોની નહીં મળવાને લઈ પરિવારજનો ચિંતીત છે, ત્યાં વિદેશ મંત્રાલયે માત્ર પત્રવ્યવહાર આ મામલામાં કર્યો છે. જેના આધારે કોઈ ભાળ નહીં મળવાનો જવાબ રજૂ કર્યો છે. હાઈકોર્ટ વિદેશ મંત્રાયલની આ પ્રકારની તપાસ કાર્યવાહીના જવાબથી નારાજગી વ્યક્ત કરી છે. માત્ર પત્ર લખવાથી કેવી રીતે કામ થશે એવા સવાલ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે વેધક સવાલો વિદેશ મંત્રાલયને કરતા કહ્યુ કે, જ્યાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતા હોય એવા વિસ્તારમાં શોધખોળ કરી કે કેમ, કેટલા ડિટેન્શન સેન્ટર પર તપાસ કરી છે? એવા સવાલો કર્યા છે.