કાર્યવાહી@ગુજરાત: હાઇકોર્ટમાં ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોર મુદ્દે સુનાવણી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત હાઇકોર્ટમાં કેટલાક મુદ્દાઓ પર સુનાવણી થતી હોય છે. ગુજરાત હાઇકોર્ટમાં આજે (29 ઓગસ્ટ) ખરાબ રોડ, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરની સમસ્યા મુદ્દે થયેલી કન્ટેમ્પટ પિટિશન ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટના તિરસ્કારની અરજીમાં અત્યાર સુધી કુલ 60 ઓર્ડર થયા છતાં રસ્તાઓ ઉપર કામગીરી ના દેખાતા ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારને 29 ઓગસ્ટના રોજ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહેવા આદેશ કર્યો હતો.
આથી બન્ને આજે હાઇકોર્ટમાં હાજર થયા છે. જજ એ.વાય. કોગજે અને જજ સમીર દવે ડાયસ પર આવ્યા છે. એડવોકેટ જનરલે કહ્યું કે, કોર્ટના આદેશ મુજબ બંને અધિકારી કોર્ટમાં હાજર છે. એડવોકેટ જનરલે કહ્યું કે, આ સરકારના સારા અધિકારીઓ છે. ટ્રાફિક, ખરાબ રોડ, દબાણ વગેરે મુદ્દે અને સંવેદનશીલ છે.