કાર્યવાહી@ગુજરાત: પાટણના એસપી સામેના કેસમાં હાઈકોર્ટની અધિકારીઓ સામે લાલ આંખ કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. હાલમાં વધારે પ્રમાણમાં ગુનાઓ વધી ગયા છે. પાટણના એસ.પી રવીન્દ્ર પટેલ સામે હાઇકોર્ટમાં ગંભીર આક્ષેપો સાથે અનેક અરજીઓ કરવામાં આવી છે. અનેક લોકોને ડરાવી-ધમકાવીને અને દબાણ કરીને ગુના આચરતા હોવાના અનેક આક્ષેપો અરજીમાં કરવામાં આવ્યા છે. જેની સુનાવણી જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટ સમક્ષ હાથ ધરાતા કોર્ટે આઇપીએસ અને પોલીસ અધિકારીઓની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે આઇપીએસ અધિકારી પોતાની જાતને કાયદાથી ઉપર સમજે છે. તેમની રાજકીય વગ ખૂબ ઉચ્ચસ્તર સુધી હોવાનું જણાઇ આવે છે. કોર્ટમાં તેમની સામે કેસ ચાલુ છે છતાં પોતાની દાદાગીરી કરીને નિર્દોષ લોકોને ધમકી આપી રહ્યા છે.લોકોને એવો સંદેશો ના મળવો જોઇએ કે કોર્ટે તેમની આંખો પર પટ્ટી બાંધી દીધી છે. કોઇપણ આઇપીએસ સત્તાનો દુરપયોગ કરીને લોકોને કનડગત કરી શકે છે. કોર્ટ ગમે તેવા લાગવગ ધરાવતા આઇપીએસને તેની ચરબી ઉતારી શકે છે.
આઇપીએસ રવીન્દ્ર પટેલે કોઇની પાસેથી નાણાકીય લેવડદેવડ મામલે ધાક ધમકી આપી હતી અને હોદ્દાનો દુરપયોગ કર્યો હોવાની અનેક અરજીઓ કરાઇ છે.તેમ છતા પોલીસ તેમની વિરૂધ્ધ ફરિયાદ નોંધતી નથી. સિનિયર કાઉન્સિલ જાલ ઉનવાલાએ એવી રજૂઆત કરી હતી કે, તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે અને તેમની સામેના આક્ષેપોની તપાસ આઇ.જી સ્તરે થવી જોઇએ. કોર્ટે તપાસ કરીને તાત્કાલિક તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવા સરકારને આદેશ કર્યો છે.સાથે ટકોર કરી હતી કે, પોતાને મળેલી સત્તાનો દુરપયોગ કરીને નિર્દોષ લોકોને દબાવવાના ગુનાને માફ કરી શકાશે નહી. એ કેસની તપાસ તટસ્થ રીતે થવી જ જોઇએ.જે આઇપીએસ આરોપી છે તેની ઉપરના અધિકારીને તપાસ સોંપવાની રહેશે નહીતર આ ઓફિસર તેને પણ દબાવી દેશે.હાઇકોર્ટે આઇપીએસની સામે ઇન્કવાયરી સોંપી દીધી છે.
હાઇકોર્ટે ગૃહવિભાગને એવો સવાલ કર્યો છે આવી નિમ્ન કક્ષાના આઇપીએસ ઓફિસરને આ હોદ્દા પર રાખવા જોઇએ? પબ્લિક પ્રોસિકયુટર સિનિયર એડવોકેટ મિતેશ અમીને કોર્ટને ખાતરી આપી હતી કે હજુ તપાસ શરૂ થઇ છે. કોર્ટે આઇપીએસ સામે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે તેની હિમંત કેવી રીતે થઇ ફોન કરીને લોકોને બ્લેકમેઇલ કરવાની? તેની સામે પોલીસ એફઆઇઆર પણ નોંધતી નથી.
કોર્ટનું અવલોકન : 18 વર્ષના દીકરાની કારમાંથી બેઝ બોલ સ્ટિક મળે તો છોકરો આરોપી ના કહેવાય
જસ્ટિસ નિર્ઝર દેસાઇની કોર્ટે એવું અવલોકન કર્યુ હતું કે, 18 વર્ષના એક દીકરાની કારમાંથી બેઝબોલ રમવાની સ્ટિક મળે તેટલે તે ગુનેગાર કેવી રીતે થઇ જાય? પોલીસ અધિકારીઓ આ પ્રકારના કામ કેમ કરે છે?