કાર્યવાહી@રાજકોટ: 7 લાખની લાંચ કેસમાં પીઆઇ વાળાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ

પોલીસે  તેમની ધરપકડ કરેલ હતી.
 
કાર્યવાહી@રાજકોટ: 7 લાખની લાંચ કેસમાં પીઆઇ વાળાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પી.આઇ. તરીકે ફરજ બજાવી રહેલ મહેશભાઇ છગનભાઇ વાળાએ ફરિયાદના જામીન પ્રકરણમાં સાટાખત રદ કરવા દબાણ લાવી રૂપિયા સાડા સાત લાખની લાંચ મેળવતા રાજકોટની ખાસ અદાલતના જજ બી.બી.જાદવ પી.આઇ. એમ.સી.વાળાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે બે પક્ષકારો વચ્ચે કિંમતી જમીનનું સાટાખત વર્ષ 2012માં બનાવવામાં આવેલ હતું.

ત્યારબાદ આ જમીનનો ભાવ ખુબ જ વધી જતા વેચનારે આ જમીન સાટાખત રદ કરવા ખરીદનાર ઉપર દબાણ લાવેલ. પરંતુ ખરીદનાર પોતાના નામનું સાટાખત રદ કરવા સહમત ન થતાં વેચનારે એસ.સી.વાળાનો સંપર્ક કરી જમીન ખરીદનાર એમ.આર.પરમાર ઉપર દબાણ લાવેલ અને સાટાખત રદ કરવા સહમત ન થાય તો તેઓ ઉપર મનીલેન્ડીંગ એકટનો ખોટો ગુનો દાખલ કરવાની ધમકી આપેલ.

આ ધમકીથી ડરી જઇને ફરીયાદીને રજીસ્ટર્ડ સાટાખત રદ કરી આપેલ હતું. ગુનો દાખલ ન કરવા માટે ફરીયાદી પાસેથી એમ.સી.વાળાએ રૂપિયા સાડા સાત લાખની લાંચની માંગણી કરેલ હતી. આ લાંચની રકમ લેવા માટે પીઆઇ વાળા વતી તેમના રાઇટર હિતેશભાઇ ઔસુરા ફરીયાદીની ઓફિસે ગયેલ હતા અને લાંચની રકમ સ્વીકારી લીધેલ હતી. ફરિયાદીની ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવેલ હોવાથી આ સમગ્ર વ્યવહાર કેમેરામાં કેદ થયેલ હતો. ત્યારબાદ ફરીયાદીએ આ રેકોર્ડીંગની સી.ડી. બનાવી એસીબીને મોકલેલ હતી.

એસીબી ખાતાએ આ સીડી ગાંધીનગર ખાતે એફએસએલને પરીક્ષણ માટે મોકલતા આ સીડીની સંપૂર્ણ ખરાઇનું પ્રમાણપત્ર મળેલ. આથી રાજકોટ એસીબીએ એમ.સી.વાળા અને તેના રાઇટર હિતેશભાઇ ઔસુરા વિરૂધ્ધ ગુનો નોંધેલ. આ સમયે એમ.સી.વાળા સુરત ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવી રહેલ હતા તેથી એસીબી પો.સ્ટે.એ સુરત ખાતેથી તેમની ધરપકડ કરેલ હતી.

પોલીસ તપાસના અંતે ચાર્જશીટ રજુ થયા બાદ એમ.સી.વાળા વતી જામીન અરજીના સમર્થનમાં રજુઆત કરવામાં આવેલ હતી કે આ પ્રકરણમાં વાળાની કોઇ જ હાજરી કયાંય પણ જણાય આવતી નથી તેમજ લાંચની માંગણીની જરૂરીયાત કોઇ જગ્યાએ સંતોષાતી નથી. આ ઉપરાંત રાઇટર હિતેશભાઇ ઔસુરાએ જણાવેલ છે કે તેઓ ફરીયાદીની ઓફિસે સોના ચાંદીના દાગીના લઇને વેચવા માટે ગયેલ હતા જેની કિંમત પેટે સાડા સાત લાખ ચુકવવામાં આવેલ છે.

સરકારે તરફે રજુઆત કરતા જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરાએ દલીલો કરેલ હતી કે ફરીયાદીના મોબાઇલ ફોનમાં જે વાર્તાલાપનું રેકોર્ડીંગ થયેલ છે તેમાં વાળા અને ઔસુરા બંને સાથે જમીનના પ્રકરણમ અંગે વાતચીતો થયેલ છે. આવા કોઇપણ રેકોર્ડીંગમાં સોના ચાંદીના દાગીનાની લે-વેચ અંગે કોઇ જ વાર્તાલાપ નથી. ઓડીયો-વિડીયો રેકોર્ડીંગ છે તેમાં કોઇ જ દાગીના દેખાઇ આવતા નથી તે સ્પષ્ટ કરે છે કે ઔસુરાએ આ બનાવટી બચાવ ઉભો કરેલ છે અને આ સમગ્ર વ્યવહાર તેઓ પીઆઇ એમ.સી.વાળા વતી કરી રહેલ હતા.

આ ઉપરાંત એમ.સી.વાળાના ભુતકાળ અંગે દસ્તાવેજી પુરાવાથી જણાવવામાં આવેલ કે ઇડરની કોર્ટમાં એમ.સી.વાળા વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી પ્રકરણમાં જે તે ફરીયાદી પાસેથી તેઓને હેરાન ન કરવાના બદલામાં રૂપિયા પાંચ હજાર મેળવ્યાનો કેસ ચાલેલ તેમાં ફરીયાદી હોસ્ટાઇલ જાહેર થયેલ હતા. એસીબીના કેસમાં ફરીયાદીનું હોસ્ટાઇલ જાહેર થવું સ્પષ્ટ કરે છે કે હાલના આરોપી કેસમાં ફરીયાદીને ફોડી નાખેલ હતા તેથી તે કેસમાં આરોપીને ઇડરની કોર્ટ શંકાનો લાભ આપેલ હતો. આવું બીજીવાર ન થાય તેથી હાલના કેસમાં આરોપીને જામીન ઉપર મુકત કરવા જોઇએ નહીં સરકાર તરફેની આ દલીલોના અંતે રાજકોટની ખાસ અદાલતના જજ બી.બી.જાદવે પી.આઇ. એમ.સી.વાળાને ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે. આ કેસમાં ચકચાર તરફે જીલ્લા સરકારી વકીલ સંજયભાઇ કે. વોરા રોકાયેલ હતા.