કાર્યવાહી@રાજકોટ: 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો

દોષીને દંડ ફટકાર્યો છે.
 
કાર્યવાહી@રાજકોટ: 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં બળાત્કારના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી બળાત્કારના ગુનાઓ સામે આવતા હોય છે. શહેરમાં રહેતી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાના ગુનામાં સુરેશ ઉર્ફે વીસુ મોહનભાઈ મુછડીયાને રાજકોટની સ્પે. પોકસો કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. ભોગ બનનારને 3 લાખનું વળતર અને રૂા.52 હજારનો દોષીને દંડ ફટકાર્યો છે.

કેસની ટુંકી હકીકત મુજબ સને 2020ની સાલના મકરસંક્રાંતના દિવસે આરોપી ભોગ બનનારનું અપહરણ કરી લઈ ગયેલ અને એ વખતે ભોગ બનનારની ઉંમર માત્ર 15 વર્ષની હતી.

આરોપી સુરેશ ઉર્ફે વીસુ મુછડીયા જે ભગવતીપરા એરીયામાં રહેતો હતો ને ભોગ બનનારને ફોસલાવી અને તેણીને આશરે 5-6 દિવસ પોતાની સાથે રાખેલ અને તેણી પર 1થી વધુ વાર દુષ્કર્મ આચરી એ રીતે ઉગ્ર જાતીય હુમલો કરેલ. આ બાબતનો ગુન્હો પ્ર.નગર પોલીસ મથકમાં ભોગ બનનારના કુટુંબના એક વડીલે દાખલ કરેલ. જેની હત્યામાં સુરેશ ઉર્ફે વીસુ જ આરોપી તરીકે દર્શાવેલ છે.

ફરીયાદીનું મોત નિપજતા ફરિયાદ પક્ષે તેમની ફરીયાદ અન્ય પુરાવાઓથી સાબિત કરેલ અને કેસ ચાલતા ભોગ બનનારને ફોસલાવીને આરોપી બહાર લઈ ગયેલાનું પુરવાર કરેલ અને ભોગ બનનારની જુબાનીથી તેમજ મેડીકલ ઓફીસર/ ગાયનેકોલોજીસ્ટના અભિપ્રાયથી તેને સમર્થન પણ મળેલ જે રેકર્ડ પર આવેલ. ફરીયાદ પક્ષે પોતાનો કેસ નિશંક પણે સાબિત કરેલો અને તેને કોર્ટે પણ માનેલ છે.

પોકસો કોર્ટે આરોપી વિરૂધ્ધનો કેસ સાબિત થયેલાનું માની તેને તકસીરવાન ઠેરવેલ તેમજ આઈપીસી 376 (3)માં આજીવન કેદની સજા આરોપી જીવે ત્યાં સુધીની ફટકારેલ છે. તેમજ કુલ રૂપિયા 52000નો દંડ ફટકારેલ છે અને જો દંડ ન ભરે તો વધુ સજાનો હુકમ પણ કરેલ છે અને દંડની રકમમાંથી 50 ટકા રકમ ભોગ બનારને વળતર પેટે આપવાનો હુકમ કરેલ છે.

તેમજ ગુજરાત વિકટીમ કોમ્પેન સેશન સ્કિમ 2019 મુજબ ભોગ બનનારને રૂા.3,00,000 વળતર પેટે ચુકવવાનો પણ આદેશ કરેલ છે. આમ પોકસો કેસના આરોપીઓ માટે હાલનો ચુકાદો લાલબત્તી સમાન છે. આ કેસનો ચુકાદો પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે આપેલ છે. અને એ.પી.પી. તરીકે મહેશભાઈ જોષીએ સરકાર તરફે કેસ ચલાવેલ હતો.


પોકસો દુષ્કર્મના કેસ દરમિયાન સરકારી વકીલે એવી દલીલ પણ કરી હતી કે પોકસોનો ગુનો નોંધાયો જેમાં ભોગ બનનારના પરિવારમાં તેમના વૃધ્દ વડીલ ફરીયાદી હતા. જે બાબતનો ખાર રાખી આ ફરીયાદી વૃધ્ધની હત્યા થઈ છે. આ હત્યાના ગુનામાં પણ આરોપી તરીકે વીસુ મુછડીયાનો ઉલ્લેખ છે જે કેસ કોર્ટમાં પેન્ડીંગ છે.