કાર્યવાહી@અમદાવાદ: સગીરાને લગ્નનું વચન આપ્યા બાદ બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર આરોપીને 10 વર્ષની કેદ

ગુનો પુરવાર થાય છે ત્યારે આવા આરોપી સામે દયા ન દાખવી શકાય.
 
કાર્યવાહી@અમદાવાદ: સગીરાને લગ્નનું વચન આપ્યા બાદ બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર આરોપીને 10 વર્ષની કેદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષિય રોમાને(ઓળખ છૂપાવવા નામ બદલ્યું છે) તેના જ વિસ્તારમાં રહેતો સુનિલ ઉર્ફે ચનો રાજુભાઇ દેવીપૂજકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2021માં રોમા પોતાના ઘરેથી કરિયાણાની દુકાને ગઇ હતી અને સામાન લઇ પરત આવતી હતી ત્યારે સુનિલ રસ્તામાં મળ્યો હતો અને એકાંતમાં વાત કરવી છે તેમ કહી મિત્રના ઘરે લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. જેના કારણે રોમા ગર્ભવતી થઇ હતી અને તેના પરિવારને આ અંગે જાણ થઇ હતી. ત્યારે પરિવારે સુનિલને લગ્ન કરવા જણાવ્યું, પરંતુ તેણે ઇનકાર કરી દીધો હતો. બીજી તરફ આ મામલે સુનિલ અને તેના સગાએ રોમાના ઘરે જઇ ઝઘડો કરી મારામારી કરી હતી. જેથી આ મામલે રોમાએ ઇસનપુર પોલીસ મથકમાં સુનિલ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં સરકારી વકીલ હિમાંશુ શાહે પુરતા સાક્ષી તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો કેસ છે, આખોય કેસ નિઃશંકા પણે પુરાવાર થાય છે, આવા કિસ્સા વધી રહ્યાં છે ત્યારે સમાજમાં દાખલો બેસે અને આવા આરોપીઓમાં કાયદાનો ડર રહે તે હેતુને ધ્યાને રાખી આરોપીને સખ્તમાં સખ્ત સજા કરવી જોઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી સુનિલને 10 વર્ષ કેદની સજા ફટકારી છે.