વિરોધ@અમદાવાદ: SIR મુદ્દે કોંગ્રેસ અને CJP સામે ABVPએ મોરચો કાઢ્યો, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દિલ્હીમાં કોંગ્રેસ, CJPના આંદોલન બાદ તેના વિરોધમાં હવે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે CJP અને કોંગ્રેસના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી ઉગ્ર આંદોલન કરી રહ્યું છે. જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રોપોગેન્ડા અને દેશ વિરોધી ષડયંત્ર ગણાવ્યું છે. રાહુલ ગાંધી અને CJP યુવાનોને ખોટા રવાડે ચડાવતા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરશે. ડીજે લઈને બેનરો અને પોસ્ટરો સાથે ધરણા અને વિરોધ યોજશે.
SIR પ્રક્રિયાના નામે દેશભરમાંથી 13 કરોડ જેટલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને કોકરોચ જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના તાત્કાલિક રાજીનામાની માગ સાથે દેશભરમાં દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે હવે કોંગ્રેસ, રાહુલ ગાંધી અને કોકરોચ જનતા પાર્ટીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મેદાને આવી ગયું છે. આજે મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ કૉંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરશે.
રાહુલ ગાંધી, કોંગ્રેસ અને CJP સંવિધાનિક સંસ્થા ઇલેક્શન કમિશનર અને સુપ્રીમ કોર્ટ પર સવાલ ઊભા કરી દેશમાં અરાજકતા ફેલાવતા હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ડીજે, બેનર અને પોસ્ટર સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શન યોજશે. રાજ્યભરમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અમદાવાદ આવશે. અલગ અલગ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન પર દેખાવો કરશે. જેથી ABVP અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ ન સર્જાય તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવશે.

