વિરોધ@બનાસકાંઠા: પાક સુકાયો, ડેમ ખાલી, બોરવેલ સુકાયા, છતાં બનાસકાંઠા દુષ્કાળગ્રસ્ત કેમ નહીં ?

ખેડૂતોની માગ: હેક્ટર દીઠ ₹25,000 સહાય આપો, કેનાલમાં પાણી છોડો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદે દગો દીધો છે. ચોમાસામાં સરેરાશ 36% વરસાદની ઘટ નોંધાઈ છે. કોઈ તાલુકામાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો નથી. પરિણામે ખેતરમાં ઊભો પાક સુકાઈ રહ્યો છે અને બોરવેલમાં પાણી ખૂટી ગયું છે.

છતાં રાજ્ય સરકારે બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યો નથી. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા, પણ બનાસકાંઠાને બાકાત રખાતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે.

*બોરવેલ સુકાયા, ડેમ ખાલી*

જિલ્લાના મુખ્ય ડેમોની સ્થિતિ પણ ચિંતાજનક છે. દાંતીવાડા ડેમમાં માત્ર 23% અને સિપુ ડેમમાં માત્ર 3% જ પાણી બચ્યું છે. ભૂગર્ભ જળસ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા છે. અનેક ગામોમાં બોરવેલ સુકાઈ ગયા છે. ખેડૂતોને પાક બચાવવા માટે પાણી મળતું નથી, તો પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી.

ખેડૂત માવજીભાઈ પટેલે કહ્યું, "અમે રાત-દિવસ મહેનત કરીને પાક ઉગાડ્યો, પણ હવે આંખ સામે પાક સુકાઈ રહ્યો છે. સરકારને અમારી પીડા કેમ દેખાતી નથી?"

*કિસાન સંઘનું આવેદન*

ભારતીય કિસાન સંઘ અને મોટી સંખ્યામાં ખેડૂતો શુક્રવારે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપીને બનાસકાંઠાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી.

*ખેડૂતોની મુખ્ય માગણીઓ:*

- *1.* બનાસકાંઠાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

- *2.* પાક નુકસાન સામે હેક્ટર દીઠ ₹25,000 સહાય આપો

- *3.* સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડો

- *4.* પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરો

- *5.* ખેતીલક્ષી લોન પર વ્યાજ માફ કરો

*સરકાર સામે સવાલ*

ખેડૂતોનો સીધો સવાલ છે, "જ્યારે ચાર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી શકાય છે, તો બનાસકાંઠાને શું તકલીફ છે? અમારા પાક પણ સુકાયા છે, અમારા બોરવેલ પણ ખાલી છે."જો ટૂંક સમયમાં માગ નહીં સ્વીકારાય તો ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી આપી રહ્યા છે.