વિરોધ@ગાંધીનગર: CBRT પદ્ધતિ રદ કરવા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન
CBRT રદ કરવા સૂત્રોચાર કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક બાબતોના કારણે વિરોધ જોવા મળતો હોય છે. વનવિભાગની ભરતીનું પરિણામ જાહેર થતા જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. બે દિવસ અગાઉ CBRT એટલે કે (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) અને નોર્મલાઈઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો આજે ફોરેસ્ટ બીટ ગાર્ડના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે. ઉમેદવારો દ્વારા નોર્મલાઈઝેશન સાથે માર્ક્સ જાહેર કરવા કરવા અને તમામ ઉમેદવારોના રિઝલ્ટ PDF પ્રમાણે જાહેર કરવા કરી માંગ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર ખાતે ઉમટી પડેલા ઉમેદવારોની માંગ છે કે, છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા,ફોરેસ્ટ, CCE, સબ ઓડિટર, સિનિયર સર્વેયર, Planning assistant, Work assistant મદદનીશ ઈજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર સહિત અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે. આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે, આ CBRT દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં ખરી ઉતરી નથી તેને કારણે અનેક છબરડા સામે આવ્યા છે. સૌથી મોટું નકારાત્મક પાસુ એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.
ઉમેદવારોએ જણાવ્યું કે, TCS કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવાનાં અધિકારી અને એજન્સીનાં માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે. તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે. ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે, જેને કારણે જે ભાવાનુવાદ થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે.
ઉમેદવારોએ વધુમાં જણાવ્યું કે, બીજી મુશ્કેલી એ પણ છે કે એકથી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે, તેમાં પ્રશ્નોનું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઈથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.તે પણ આ CBRT પદ્ધતિ ને કારણે દૂર થવી જોઈએ.
ખાસ કરીને ફોરેસ્ટનાં દરેક ઉમેદવારની માંગણી છે કે, ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્કસ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવ્યા બાદ કોનાં કેટલા માર્કસ ઉમેરવામાં આવ્યા, કેટલા માર્કસ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરીવાઈઝ અને માર્કસવાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે. જો SSC CGL, IBPS, RRB, ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથ મેરીટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગૌણસેવા શા માટે ન કરે ?
જૂનાગઢથી આવતા ઉમેદવારે જણાવ્યું હતું કે, ફોરેસ્ટની પરિક્ષા બાબતે અમે અહીં ભેગા થયા છીએ. અમારી માંગણી છે કે, પીડીએફ સ્વરુપે માર્ક જાહેર કરવામાં આવે અને સરકારે જે 6500 લોકોના જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યા છે એમાં બધા લોકોને કેટેગરી વાઇઝ અને પોતપોતાના માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાં કેટલા હતા નોર્મલાઇઝેશન બાદ કેટલા વધ્યા છે અને કેટલા ઘટ્યા છે. એ બધા વિદ્યાર્થીઓને જોવા મળે એની રજૂઆત કરવા માટે અમે અહીં ભેગા થયા છીએ. આ ઉપરાંત 48 શિફ્ટ હતી એમાં પહેલી શિફ્ટનું પેપર હાર્ડ હતી, બીજી શિફ્ટનું નોર્મલ હતું અને ત્રીજી શિફ્ટનું પણ હાર્ડ હતું. એ રીતે અલગ અલગ પેપર હતા. બધાના નોર્મલાઇઝેશન માર્કસ હોય તો અમુક વિદ્યાર્થીના માર્કસ વધશે તો અમુકના ઘટશે. એટલે મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે એટલે સરકારને ધ્યાન દોરવા અમારી નમ્ર વિનંતી છે.
ઉમેદવાર નીકેશ આયદાને જણાવ્યું હતું કે, અમારી ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા લેવાઈ છે, તેમાં અમારી સાથે અન્યાય થયો છે. જેમાં અમારા નોર્મલાઇઝેશન સાથેના માર્ક તેમજ CBRT પદ્ધતીથી અમને નુકસાન થયું છે. આમાં ઉમેદવારોના માર્ક જાહેર કરો તેવી અમારી માંગ છે. અમે ગૌણસેવા પાસે ન્યાય માંગીએ છીએ. ફેબ્રુઆરી મહિનામાં આની પરીક્ષા લેવાઈ હતી જેનું છ મહિના પછી પરિણામ જાહેર કરાયું છે જેમાં અમારી સાથે અન્યાય થયો છે.
ઉમેદવાર હેતલ વાઘેલાએ જણાવ્યું કે, હુ બે વર્ષથી ફોરેસ્ટની તૈયારી કરી રહી છું. તે લોકોએ માર્ક જાહેર કર્યા નથી. દાયરેક મેરિટનું લિસ્ટ જ જાહેર કરી દીધું છે. આ લોકો અમારી સાથે અન્યાય કરી રહ્યા છે અમને માર્ક જાણવાનો તો અધિકાર છે જ. બીજુ એ કે આ CBRT પદ્ધતી રદ કરવામાં આવે. અમારી બે માંગ છે. જેમાં નોર્મલાઈઝેશનવાળા અને નોર્મલાઈઝેશન પછી અમારા કેટલા માર્ક વધાર્યા છે તે માર્ક જાહેર કરો તેમજ CBRT પદ્ધતી રદ કરો.
ફોરેસ્ટ ઉમેદવાર શબાના ચોટલીયાએ જણાવ્યું હતું કે, અમે સતત પાંચ દિવસથી સરકારને રજૂઆત કરીએ છીએ. અલગ-અલગ જગ્યાએ આવેદન પત્ર આપ્યા છે, છતા અમારી કોઈ માંગ આ લોકો સાંભળવા તૈયાર નથી. જેથી આજે ગુજરાતના દરેક ઉમેદવારો અમે અહિં ભેગા થયા છીએ. અમારી એ માંગ છે કે, અમારી CBRT પદ્ધતિથી જે પરીક્ષા લેવાઈ છે તેમાં જે 6 હજાર 500 લોકોને બોલાવ્યાં છે એ લોકોના માર્ક નોર્મલાઈઝેશન પહેલાના અને પછીના માર્ક જાહેર કરવામાં આવે. બીજુ એ કે CBRT પદ્ધતિ છે જે ગુજરાતની તમામ પરીક્ષામાં રદ કરવામાં આવે. ફોરેસ્ટ ડિમાર્ટમેન્ટમાં 400 જગ્યાઓ હજુ પણ ખાલી પડી છે તે ભરવામાં આવે. અત્યારે 823 જગ્યા બહાર પાડવામાં આવી છે. ત્યારે હજુ પણ 50 ટકા જગ્યા ખાલી પડી છે તેવુ જાણવા મળ્યું છે. ત્યારે બીજો રાઉન્ડ જે લેવાના છે તેમાં વધુ ઉમેદવારોને લાભ મળી શકે. 4 લાખ ઉમેદવારો છે. જેમાં 1 લાખ 70 હજાર ઉમેદવારો 80 ટકાથી વધુ માર્ક લાવ્યાં છે. ત્યારે આ બધાને ગ્રાઉન્ડમાં પેસ્ટ આપવાનો મોકો મળે. આ લોકોએ પહેલા એવુ કહ્યુ હતું કે, 80થી વધુ માર્ક વારાઓને અમે ગ્રાઉન્ડમાં બોલાવશું. ટેસ્ટ આપવા માટે. પણ એવુ કરવામાં નથી આવ્યું. જ્યારે પરીક્ષા જાહેર થઈ ત્યારે ઓફલાઈન પદ્ધતિથી OMR સિસ્ટમથી પરીક્ષા લેશુ તેવી જાહેરાત કરાઈ હતી. પરંતુ તે લોકોએ ઓનલાઈન CBRT પદ્ધતિથી પરીક્ષા લીધી હતી. જેથી અમારી સાથે અન્યાય થયો છે.