ચૂંટણી@જામનગર: ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા વખેત ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન
ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચૂંટણીના થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારેય કેટલીક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો રોડ શો અને સભા યોજાઈ હતી. આ રોડ શો દરમિયાન ધ્રોલના નગરના નાકા પાસે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમ છતાં ક્ષત્રિય સમાજના યુવકો સભા સ્થળે અને રેલીમાં ઘૂસી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ક્ષત્રિય યુવાનો ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમની ગાડી સુધી પણ ધસી આવ્યા હતા. આ રોડ શો દરમિયાન જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી દેવધા, શહેર ડીવાયએસપી જે.વી ઝાલા, સહિત એલસીબી પોલીસ અને એસ ઓ જી ની ટીમો ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી હતી છતાં ક્ષત્રિય યુવાનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ક્ષત્રિયો યુવાનો દ્વારા ઉગ્ર સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. 'ભાજપ હાય હાય', 'રૂપાલા હાય હાય', 'પૂનમબેન હાય હાય'ના નારા લગાવ્યા હતા. તેમજ નગર નાકા ખાતે પૂનમબેન માડમ દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને ધ્રોલમાં ઠાકોર સાહેબની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા ત્યારે પણ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમબેન માડમે જે ફૂલહાર કર્યા હતા તેને તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ધ્રોલ ઠાકોર સાહેબની પ્રતિમાને દૂધથી અભિષેક કર્યો હતો.
ધ્રોલ ખાતે ભાજપની જાહેર સભા યોજાઈ રહી હતી, તે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા સભામાં ધસી આવીને પણ ઉગ્ર સૂત્રોચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધ્રોલ ખાતે પૂનમબેન માડમની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને ધ્રોલ સંગઠનના તમામ હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.