વિરોધ@જામનગર: રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓ રણચંડી બની, જાણો વધુ વિગતે

ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધપ્રદર્શન
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચૂંટણીના થોડાજ દીવડો બાકી રહ્યા છે. ત્યારેય કેટલીય જગ્યાઓ પર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.  ક્ષત્રિય સમાજને લઈ રૂપાલાએ કરેલા નિવેદન બાદ સર્જાયેલો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે એમ એમ ભાજપ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. ભાજપના કાર્યાલયનો ઉદઘાટન પ્રસંગ હોય કે ભાજપની રેલી કે સભા હોય ત્યાં ક્ષત્રિય યુવાનો ધસી આવીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. જામનગરના જામજોધપુરમાં તાજેતરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમની રેલીમાં ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યા બાદ હવે ગઈકાલે નવાગામ ઘેડ અને કાલાવડમાં પણ ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. નવાગામ ઘેડમાં તો ક્ષત્રિયાણીઓ રણચંડી બની હોય એવું જોવા મળ્યું હતું. ભાજપનાં બેનર પણ તોડી નાખ્યાં હતાં તેમજ ખુરસીઓ ઉલાળવામાં આવી હતી.


કાલાવડ મુકામે પૂનમબેન માડમનો રોડ શો તેમજ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે સભા યોજાઈ હતી. એમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો દ્વારા ઉગ્ર સુત્રોચાર કરી વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકોએ 'ભાજપ હાય હાય' અને 'રૂપાલા હાય હાય' ના નારા લગાવી સભા તરફ આગળ વધી રહ્યા હતા અને ઉગ્ર સૂત્રધાર સાથે વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. જોકે ક્ષત્રિય યુવાનો સભાસ્થળે પહોંચે એ પહેલાં પોલીસે તેમને અટકાવ્યા હતા.


મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એને પગલે રોડ શો અને ઉદઘાટન પ્રસંગે ભાજપની યોજાયેલી સભામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજના લોકો સભાસ્થળ પર પહોંચે એ પહેલાં જ તેમને અટકાવવામાં આવ્યાં હતા. ભાજપની કોઈપણ તાલુકામાં કે શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારમાં સભા યોજાઈ રહી હોય ત્યાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


જામનગર શહેરમાં પણ ગઈકાલે નવાગામ ઘેડ વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધપ્રદર્શન કરાયું હતું. કાર્યક્રમ સ્થળ પર મહિલાઓએ પહોંચી રૂપાલા હાય...હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યક્રમ માટે લગાવાયેલું બેનર પણ ફાડી નાખવામાં આવ્યું હતું.


આ ઉપરાંત જામનગર શહેરમાં વોર્ડ નંબર 4, 5માં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનાં ભાઈઓ અને મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધપ્રદર્શન કર્યું હતું. 'રૂપાલા હાય હાય', 'ભાજપ હાય હાય'ના નારા લગાવ્યાં હતા તેમજ મહિલાઓ દ્વારા ભાજપનાં બેનરો ફાડવામાં આવ્યાં હતાં. ઉદઘાટન પ્રસંગે રાખેલી ખુરસીઓ પણ ઉલાળી હતી અને એના ઢગલા કરી દેવામાં આવ્યા હતા. મહિલાઓએ ટેબલ પર ચડીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને અટકાવી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

વોર્ડ નંબર ચારમાં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન થવાનું હતું એ પહેલાં ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો શહેર ભાજપ-પ્રમુખ વિમલ કગથરા, 78 વિધાનસભાના ઇન્ચાર્જ ધર્મરાજસિંહ જાડેજા, કોર્પોરેટર કેશુભાઈ માડમ, તેમજ પ્રદેશ કિસાન મોરચાના સુરેશ વસરા સહીત ભાજપના આગેવાનોએ કરવો પડ્યો હતો. ત્યાર બાદ તમામ ભાજપના સંગઠનના હોદ્દેદાર સહિત કોર્પોરેટર નીકળી ગયા હતા.

જામનગરના જામજોધપુર ટાઉન વિસ્તારમાં ભાજપ દ્વારા જામનગરનાં ઉમેદવાર પૂનમ માડમની રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો દોડી આવ્યા હતા અને 'ભાજપ હાય હાય'ના ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસે અનેક યુવકોની અટકાયત કરી હતી.

જામનગર ઉપરાંત પણ ગઈકાલે અનેક જગ્યાએ ક્ષત્રિય યુવાનોએ વિરોધપ્રદર્શન કર્યું હતું


ભાવનગર શહેરના કાળિયાબીડ-સિદસર વોર્ડમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે જ ક્ષત્રિય સમાજના 50 જેટલા યુવકોએ આવી કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બન્યું હતું.


ભાવનગરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રૂપાલા હાય...હાયના નારા લગાવી રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળ પર હાજર પોલીસ જવાનો દ્વારા વિરોધ કરી રહેલા યુવકોને ડિટેઈન કરી લઈ જવામાં આવ્યા હતા.


ગઈકાલે પાટડી-દસાડા વિધાનસભા હેઠળ આવતા લખતર ખાતે તાલુકા ભાજપના લોકસભા ચૂંટણીના કાર્યાલયને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ-પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હસ્તે ઉદઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ભાજપના કાર્યાલયમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો અંદર ઘૂસી ગયા હતા અને વિરોધ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત કાર્યાલયની બહાર પણ રાજપૂત કરણીસેના તથા ક્ષત્રિય સમાજના આગેવાનોએ 'રૂપાલા હાય હાય.. જય ભવાની...ભાજપ જવાની'ના નારા લગાવ્યા હતા. ત્યારે વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોની લખતર પોલીસે અટકાયત કરી હતી.


આ તરફ વડગામમાં આજે ભાજપ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. એમાં ક્ષત્રિય સમાજના યુવકો વિરોધ નોંધાવવા ભાજપ કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં દોડી આવ્યા હતા. જોકે ક્ષત્રિય યુવકો કાર્યક્રમ સ્થળે પહોંચે એ પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીના હસ્તે વડગામ વિધાનસભાના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે ક્ષત્રિય યુવાનોએ વિરોધ નોંધાવ્યો હતો. એને લઇને વડગામ પોલીસે વિરોધ કરી રહેલા 17 જેટલા યુવકોની અટકાયત કરી હતી.