વિરોધ@ગાંધીનગર: વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા આંદોલન શરૂ કર્યું

યોગ અને અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.
 
વિરોધ@ગાંધીનગર: વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા આંદોલન શરૂ કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન કરવા મુદ્દે શિક્ષકોએ યોગ અને અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે.

સરકારની ખેલ સહાયક યોજના અંતર્ગત 11 મહિનાના કરાર આધારિત નિમણૂંક આપવામાં આવે છે. શિક્ષકોના મતે આ યોજના શાળાના બાળકો અને શિક્ષકોના હિતમાં નથી. રજાના નિયમો અને વેકેશનની ગણતરી અસ્પષ્ટ છે. કેટલાક શિક્ષકોને 11 મહિના પૂરા થયા પહેલાં જ કોઈ આદેશ વગર છૂટા કરી દેવામાં આવ્યાં છે. પગારની અનિયમિતતા પણ મોટી સમસ્યા છે.

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ખેલ સહાયકોને છૂટા કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોકે, પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરાયો નથી. વ્યાયામ આગેવાન યોગેશ વાળાના જણાવ્યાં મુજબ, અગાઉ ચાર વખત વ્યાયામ શિક્ષકોની અટકાયત કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા વિધાનસભા ઘેરાવ વખતે સરકારે આપેલી ખાતરી છતાં કોઈ નિરાકરણ ન આવતા શાંતિપૂર્ણ આંદોલન ચાલુ છે.

શિક્ષકોએ ચિમકી આપી છે કે, જો નજીકના સમયમાં તેમની માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે શિક્ષકો દ્વારા વિધાનસભા તરફ કૂચ કરી હતી જોકે, પોલીસ દ્વારા તેઓને રોકવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જે બાદ પોલીસે ટીંગાટોળી કરી વ્યાયામ શિક્ષકોને પોલીસવાનમાં બેસાડી અટકાયત કરી હતી.