વિરોધ@સુરત: 700 મિલકતને મહાનગરપાલિકાએ ડિમોલિશનની નોટિસ ફટકારાતાં વિરોધ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અમુક બાબતોના કારણે લોકોમાં વિરોધ જોવા મળતો હોય છે. 700 મિલકતને મહાનગરપાલિકાએ ડિમોલિશનની નોટિસ ફટકારતા વિરોધ. સુરતના કતારગામ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી રસ્તાના દબાણમાં આવતી 700 મિલકતોને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતે પાલિકાએ સ્થાનિક લોકોને નોટિસ પાઠવી છે. ત્યારે લોકો પાલિકાની આ કામગીરીનો વિરોધ કરી રહ્યા છે. આજે 400 થી 500 જેટલા રહીશો મોરચો લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે, 30 વર્ષ પહેલા જ્યારે આ મિલકતો બંધાતી હતી ત્યારે પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે અમે બિલ્ડર પાસેથી મકાનો લીધા છે, દુકાનો લીધી છે. હવે અમને શા માટે ઘરમાંથી દૂર કરવામાં આવે છે. લોકોની માગણી છે કે, પહેલા ઘરનું ઘર આપવામાં આવે અને ત્યારબાદ પછી અમને અહીંયાથી હટાવવામાં આવે. પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે છે અને સ્થાનિક તંત્ર ઘરવિહોણા કરે છે.
કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ-રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપોર ચાર રસ્તા સુધી 700 જેટલી દુકાનો અને મકાનમાં રહેતા લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે.
મહત્વની વાત છે કે, અહીંયાના લોકો 20થી 30 વર્ષથી આ મકાનોમાં રહે છે. છતાં અગાઉ પાલિકાને આ બાબત ધ્યાનમાં ન આવી અને હવે જ્યારે ડિમોલિશનની નોટિસ આપવામાં આવે છે ત્યારે લોકોની માગણી એ છે કે, દર વર્ષે દિવાળી આવે એટલે અમારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગયા વર્ષે પણ દિવાળીના દિવસો બાકી હતા ત્યારે તંત્રએ અમને હેરાન પરેશાન કર્યા હતા.
કતારગામ મગન નગર 2ના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. સામાન્ય વર્ગના લોકોને રઝળતા અટકાવો, ઘરનું ઘર પહેલા પછી ડિમોલિશન કરો, બાંધકામ થયું હતું ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું, પ્રધાનમંત્રી ઘરનું ઘર આપે છે સ્થાનિક તંત્ર ઘરવિહોણા કરે છેના સુત્રો સાથેના પ્લે કાર્ડ સાથે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
મગન નગરમાં રહેતા પુષ્પાબેને જણાવ્યું હતું કે, મકાન સામે મકાન અને દુકાન સામે દુકાન આપવાની અમારી માગણી છે. અમે અહીં 30 વર્ષથી રહીએ છીએ. છતાં આવું કંઈ આવ્યું ન હતું. હવે નોટિસો આપે છે અને માપણીઓ કરવા આવે છે. અમને મકાનની સામે મકાન આપી દો તો અમે ડિમોલેશન કરાવવા તૈયાર છીએ. પહેલા અમને ખબર હોત કે આ કપાતમાં આવે છે તો અમે ઘર જ ન લેત. ત્યાં કોઈ રોડ નથી નીકળતો છતાં પણ ડિમોલેશનની નોટિસ આપવામાં આવી રહી છે. મારે તો આગળ પાછળ પણ કોઈ છે નહીં તો આ ઘર જ ન રહે તો અમે ક્યાં જઈશું. કમાવાવાળા મારા પતિ જ છે.
રાજેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે, આજે 400થી વધુ લોકો અમે અહીં આવ્યા છીએ. 30 વર્ષ પહેલા આ એપાર્ટમેન્ટ બાંધવામાં આવ્યા હતા. મકાનો અને દુકાનો જે સમયે બંધાતી હતી તે સમયે સુરત મહાનગરપાલિકા ક્યાં હતી? તો તેમને ખબર ન હતી કે, આ રસ્તો ભવિષ્યમાં મોટો કરવાનો હોવાથી એપાર્ટમેન્ટ બાંધવા માટે મંજૂરી ન અપાય. અહીં કોઈ ટ્રાફિકની સમસ્યા નથી છતાં પણ રોડ મોટો કરવા ડિમોલેશનની નોટિસ આપવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, અહીં બધા મજૂરી કરીને ખાવાવાળા છે. અત્યારે આ ડિમોલિશનની નોટિસ આપવામાં આવી છે અને અહીંથી હટાવી દેવામાં આવશે તો આ બધા લોકો ક્યાં જશે. જેના માટે એ લોકોએ અમને કોઈ ઓપ્શન તો આપવો જ પડશે. પ્રધાનમંત્રી કહે છે કે, અમે ત્રણ કરોડ લોકોને ઘર આપ્યા છે તો અમારી પાસે જે ઘર છે તે તો અમારી પાસે રહેવા દો. અમે નાના માણસો છીએ. જો તમારે ડિમોલિશન જ કરવું હોય તો અમને અમારું ઘરનું ઘર આપી દો. અમારે સરકાર કે કોર્પોરેશન સાથે કોઈ પ્રોબ્લેમ નથી.