વિરોધ@સુરત: જર્જરિત આવાસ ખાલી કરાવવા પહોંચેલી પોલીસ સામે સ્થાનિકોનો વિરોધ

પોલીસ સામે સ્થાનિકોનો વિરોધ

 
વિરોધ@સુરત: જર્જરિત આવાસ ખાલી કરાવવા પહોંચેલી પોલીસ સામે સ્થાનિકોનો વિરોધ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં પોલીસ અને લોકો વચ્ચે વિવાદ ઉભો થયો છે. જર્જરિત મકાનો ખાલી કરવા જતા વિવાદ ઉભો થયો છે. સુરતના સચિન વિસ્તારના પાલી ગામની ઈમારત ધરાશાયી થવાની ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા જૂનાં જર્જરિત આવાસો ખાલી કરાવવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.

સચિન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 2666 જેટલાં આવાસ જર્જરિત સ્થિતિમાં છે. અહીં 30 વર્ષ કરતાં વધુ સમયથી ગરીબ અને મધ્યમવર્ગના 10 હજાર લોકો રહે છે. 7થી 8 વર્ષથી તંત્ર દ્વારા આવાસો ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ ખાલી ન કરતાં આજે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જોકે મામલો બિચકતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસે લોકોને ધક્કા મારીને ખદેડ્યા હતા. પોલીસનાં ધાડેધાડાં ઉતારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આવાસોનાં વીજ કનેક્શન અને નળ કનેક્શન કાપવામાં આવી રહ્યાં છે, આ કામગીરી બે દિવસ સુધી ચાલશે, તેમજ આવાસો ખાલી કરવા લોકોને તંત્ર દ્વારા બે દિવસનો સમય આપ્યો છે.