ચૂંટણી@ગુજરાત: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વિરોધ વચ્ચે ભવ્ય પ્રચાર કર્યો

પોલીસકાફલા વચ્ચે રૂપાલાનો પ્રચાર
 
ચૂંટણી@ગુજરાત: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ભવ્ય પ્રચાર શરૂ કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવે ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઉમેદવારો જોરોથી પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણીની જંગ ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું ત્યારથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે. જોકે આજથી તેમણે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો. શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી તેમણે ભાજપને જિતાડવા માટે પ્રચાર શરૂ કર્યો છે, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો. ઠેર-ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા હતા તો ગુલાબનાં ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી નેતાઓ પર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું હતું.


આજે રાજકોટમાં પાટીદારોનો ગઢ ગણાતા કુવાડવા રોડ ઉપર રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલા હાલ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કારમાં પ્રચાર માટે જઈ રહ્યા છે. રામ મોકરિયા, રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ઉદય કાનગડ, મેયર નયનાબેન પેઢડિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતનાએ ભાજપનો પ્રચાર કર્યો હતો.


આ તકે લાંબા સમયથી અલિપ્ત રહેલા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ રૂપાલાના પ્રચારમાં જોડાયા હતા. આ તકે સિદસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર જયરામ પટેલ રૂપાલાને મળ્યા હતા. જોકે અહીં સૌથી આશ્ચર્યની વાત એ હતી કે સામાકાંઠે જ્યાં રૂપાલાએ પ્રચાર કર્યો ત્યાંના આગેવાન અને લેઉવા પાટીદાર સમાજના ભાજપના આગેવાન ગણાતા અરવિંદ રૈયાણી દેખાયા નહોતા.


આજે સવારે રૂપાલાએ અંદાજિત પાંચ કિલોમીટર જેટલી પદયાત્રા કરી હતી અને રાજકોટ લોકસભા બેઠક પરથી જિતાડવા માટે લોકોને અપીલ કરી હતી. આ તકે ડીજેના તાલે જય શ્રીરામના નારા લાગ્યા હતા તો ઢોલ-નગારાં સાથે રૂપાલાએ ભવ્ય પ્રચાર કર્યો હતો. આ તકે ઘર હોય કે દુકાન, સ્થાનિકોએ રૂપાલાને હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી. આ ઉપરાંત અલગ અલગ ચોકમાં રંગોળી પણ કરવામાં આવી હતી. પાટીદારોના ગઢમાં રૂપાલાનો ભવ્ય પ્રચાર જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ રૂપાલા સામે રોષે ભરાયો હોવાથી રૂપાલાની સાથે મોટો પોલીસકાફલો જોડાયો હતો.