વરસાદ@ગુજરાત: સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો

ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલની જેમ આજે પણ સવારે 11:30 બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયાં હતાં અને 12 વાગતાં સુધીમાં શહેરના રાણીપ, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જોકે 10 મિનિટના ધોધમાર વરસાદ બાદ વરસાદ એ થઈ ગયો હતો. જ્યારે પૂર્વ વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળો ઘેરાયાં હતાં અને પૂર્વમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો.


ભારે વરસાદ અને વરસાદી પાણીના કારણે શહેરના નરોડા પાટિયાથી કૃષ્ણનગર અને સૈજપુર તરફ ટ્રાફિકજામ થયો છે. સૈજપુર પાસે આવેલા ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયું હતું.

સવારે 11 વાગ્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. નરોડા, કુબેરનગર, એરપોર્ટ, કોતરપુર, મેમ્કો, સૈજપુર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બે ઇંચ વરસાદ પડતાંની સાથે જ કુબેરનગર, નરોડા અને એરપોર્ટ રોડ પર પાણી ભરાયાં હતાં. વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, અખબારનગર, ચાંદલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, શાહપુર, દૂધેશ્વર, જમાલપુર, લાલ દરવાજા, ખાડિયા સહિતના વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.


અમદાવાદમાં 30 મિનિટમાં પૂર્વ વિસ્તારમાં કુબેરનગર અને નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કુબેરનગર વિસ્તારમાં આવેલા બજારમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં. ગટરના પાણી ઊભરાઇને બહાર આવ્યાં અને વરસાદી પાણી ભરાવાને કારણે બજારમાં પાણી ભરાઇ ગયાં છે. સામાન્ય વરસાદમાં પણ પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતાં કોર્પોરેશનની પ્રી-મોન્સુન કામગીરી સામે સવાલ ઊભા થયા છે.


હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે આજે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં ભરબપોરે 12 વાગ્યા બાદ આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાયાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે.


વીજળીના કડાકાભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ પશ્ચિમ બાદ પૂર્વ વિસ્તારમાં પણ નરોડા, એરપોર્ટ, સરદારનગર, કોતરપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.


આ ઉપરાંત સોલા, હાઈકોર્ટ, ચાંદખેડા, સાબરમતી, નારણપુરા, વાડજ, આશ્રમ રોડ, ઉસ્માનપુરા, અસારવા, શાહીબાગ, એરપોર્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.