વરસાદ@ગુજરાત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ
અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, સુરતમાં 2 કલાકમાં બે ઈંચ; રસ્તા નદી બનતા બાળકો સહિત લોકોનું રેસક્યૂ કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ મેઘરાજાની સવારી આવી પહોચી છે. ગુજરાતમાં અત્યંત બફારા વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી એક વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે તો હજુ પણ કેટલાક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા છે. એને પગલે ગુજરાતવાસીઓને ભયંકર બફારામાંથી રાહત મળશે. જ્યારે સુરતમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે, આથી નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે તેમજ રસ્તાઓ નદી બન્યા છે, તેમજ સગરામપુરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે સિગ્મા સ્કૂલના બાળકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર કરી ગયો હતો. જ્યારે આજે પણ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં ગરમી અને બફારો થયા બાદ બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર નજીક આવેલા પીરાણા અને પીપળજ પાસે બપોરે ભારે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ બપોર પછી વાતાવરણમાં પલટો આવવાની શરૂઆતની સાથે વાદળો છવાયાં હતાં.
અમદાવાદમાં બપોર બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ વિસ્તારમાં નરોડા, કોતરપુર, એરપોર્ટ, સરદારનગર, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડિયા, સીટીએમ, વસ્ત્રાલ, નિકોલ, રામોલ, ગોમતીપુર, સરસપુર, ખોખરા, હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
સુરત શહેરમાં મેઘરાજાના આગમન સાથે નવી સિવિલમાં પાણી-પાણી થઈ ગયું છે. નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પાણી ભરાયાં છે. જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાઈ ગયાં હતાં. ઓપીડી તેમજ પેસેજમાં પાણી ભરાતાં દર્દીઓને મુશ્કેલી પડી રહી છે. બે કલાકના વરસાદમાં નવી સિવિલમાં પાણી ભરાતા સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલ માટે સફાઈકર્મીઓ પાણી ઉલેચી રહ્યા છે. જ્યારે સગરામપુરા વિસ્તારમાં કેડસમા પાણી ભરાતા રેસ્ક્યૂ કામગીરી કરવામાં આવી હતી. જ્યારે સિગ્મા સ્કૂલના બાળકોનું પણ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આગામી 72 કલાક સુધીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે એ મુજબ અત્યારે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મંડાણ માંડ્યાં છે. વહેલી સવારથી જ સુરતીઓ ગરમી અનુભવી રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ તેઓ છેલ્લા 3 દિવસથી બફારાનો અનુભવ કરી રહ્યા હતા. બપોરના સમયે સતત વરસાદ વરસતાં ગરમીથી થોડી રાહત અનુભવાઇ હતી.
સુરત શહેરમાં ફરીથી ધોધમાર વરસાદ પડતાં મહાનગરપાલિકાની પોલ ખૂલી થઈ ગઈ છે. કૈલાસનગર ખાતે વરસાદી પાણી ભરાયાં છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. ઘૂંટણ સમાં પાણી ભરાયાં છે. સંપૂર્ણ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. અનેક વાહનો પાણીના કારણે બંધ પડ્યાં છે. કૈલાસનગર, મજૂરાગેટ, અઠવાગેટ ખાતે પાણી ભરાયાં છે. કાદરશાહના નાળ વિસ્તારમાં પણ ગોઠણ સમાં પાણી ભરાયાં છે.
વરસાદ શરૂ થતાં વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 342.47 ફૂટ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, આથી વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખીને બેઠું છે. ઉકાઈ ડેમમાં પાણીનો સ્તર ન વધે એ માટે વહીવટી તંત્ર સતત ધ્યાન રાખી રહ્યું છે. ખેડૂતોને વરસાદ થવાને કારણે થોડી રાહત થઈ ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ હોવાને કારણે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભાદરવાનો વરસાદ ખેડૂતો માટે રાહત આપનારો હોય છે. ચોમાસું પૂર્ણ થવાના આરે છે ત્યારે વરસાદનો ભાદરવા મહિનાના છેલ્લા રાઉન્ડની રાહ જોતા હોય છે.
વરસાદે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી દીધી છે. હવે આઠ જ દિવસ નવરાત્રિને આડે છે, ત્યારે ઓપન પ્લોટની અંદર જે લોકોએ નવરાત્રિનું આયોજન કર્યું છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. જો આ રીતે હજુ બે કે ત્રણ દિવસ વરસાદ વરસે તો ખુલ્લા પ્લોટની અંદર જે નવરાત્રિનું આયોજન થયું છે ત્યાં ગરબાનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે.
ઉલ્લેખનીય છે કે બંગાળની ખાડીમાં જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એ ધીમું પડી ગયું છે, પરંતુ હાલમાં ગુજરાત રાજ્ય પર 16 ડીગ્રી ઉત્તરમાં સિયર ઝોન સક્રિય થયું છે, જેને કારણે આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે હજુ પણ આ ગ્રાઉન્ડમાં વરસાદની ટકાવારી વધી શકે છે.
મહત્ત્વનું છે કે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એને કારણે આવતીકાલથી એટલે કે 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની સંભાવના છે. એને કારણે આ સમયગાળા દરમિયાન માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.