વરસાદ@અમદાવાદ: સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો, ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ
અટલ સમાચાર ડોટ મકમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં બહારે વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદમાં સવારથી કાળા ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. વહેલી સવારથી મેઘરાજા આખા શહેરમાં મહેરબાન થયા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, શિવરંજની, ગોતા, રાણીપ, પ્રહલાદનગર, નહેરૂનગર, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે પૂર્વ અમદાવાદના નરોડા, બાપુનગર, નિકોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
આ સિવાય શહેરના શાહીબાગ, અસારવા, સરસપુર, મેમ્કો, દરિયાપુર, કાલુપુર સહિતના વિસ્તારમાં સવારથી વરસાદ શરૂ થયો છે. સવારથી વાતાવરણ પણ અંધકારમય બન્યું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંકડ પ્રસરી છે.
વરસાદ વરસી રહ્યો હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આથી લોકોને બફારામાંથી રાહત મળી છે. વિઝિટિબિલિટીમાં ઘટાડો થતા વાહનચાલકોએ ફરજિયાત પોતાના વાહનોની લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે. સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વરસાદથી મુશ્કેલી પડી હતી. રેન કોટ પહેરાવીને વાલીઓ પોતાના સંતાનોને સ્કૂલે મુકવા ગયા હતા.
હવામાન વિભાગ દ્વારા હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી જોર હળવું થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની સિસ્ટમ નબળી પડતા વરસાદને બ્રેક લાગે તેવી શક્યતાઓ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી બે દિવસ એટલે કે, 29 અને 30 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર બાદ બે દિવસના વિરામ પછી ફરી એક વખત 3થી 10 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. જ્યારે આગામી ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ નહીવત પ્રમાણમાં છે. હજુ પણ આગામી ત્રણ દિવસ એટલે કે મંગળવાર (30 જુલાઈ) સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ પૂરતી વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી નથી.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી મુજબ રાજ્યના પૂર્વીય સીમા તરફના જિલ્લા તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તદુપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે ટલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર તરફ શિયાળ ઝોન સક્રિય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના બાગમાં ઓફ શોર ટ્રફ સક્રિય હોવાથી વરસાદી માહોલ રહશે.
આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તથા જેમ ભારે વરસાદની શક્યતાઓ છે અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે તેથી હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.