વરસાદ@ગુજરાત: પોરબંદરમાં 14 ઈંચ વરસાદથી પાણી પાણી, પશુઓ તણાયા, વાહનો ડૂબ્યા
પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું
Jul 19, 2024, 10:52 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુજરાતમાં ભારે આગાહી વચ્ચે પોરબંદરમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે.
14 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે. પશુઓ તણાયા છે તો વાહનો ડૂબ્યા છે. ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. રેલવે ટ્રેક પણ ધોવાયો છે. જુનાગઢ શહેર સહિત જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. ખાસ કરીને કેશોદ પંથકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં વીજળી વેરણ બનીને દંપતિ પર ત્રાટકી હતી. જેથી પતિ-પત્નીના મોત થયા છે. આજે પણ રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે.