વરસાદ@ગુજરાત: રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જાણો વધુ વિગતે
ધોધમાર વરસાદ વરસ્યો
Jun 29, 2024, 17:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાતના 18 જિલ્લા અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં યલો એલર્ટ આપ્યું છે.
ત્યારે આજે પણ રાજ્યભરમાં મેઘમહેર થવાની શક્યતા છે. એને પગલે આજે સવારથી રાજકોટમાં અને બપોર બાદ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજકોટનો આજી-2 ડેમ 90% ભરાઈ ગયો છે. જેથી હેઠવાસનાં ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
મધ્યમ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ધીમીગતિએ વરસાદ વરસી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગરના ધ્રોલમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.