વરસાદ@ગુજરાત: અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં વરસાદ

 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં વરસાદની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો ચાર દિવસ વહેલું એટલે કે 11 જૂને વિધિવત્ આગમન થઈ ચૂક્યું છે. દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધતું હોય છે. પરંતુ રાજ્યમાં વિધિવત્ પ્રવેશના 10 દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ભાવનગર જિલ્લામાં પોણા બે ઇંચ ખાબક્યો છે. તો આજે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં સવા બે ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત બપોર બાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.


અમરેલી જિલ્લામાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી સમગ્ર પંથકમાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી. રાજુલા તેમજ અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના અનિડા, ધારંગણી, મોટા સમઢીયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બે દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાલનપુર પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું
બનાસકાંઠાના પાલનપુર પંથકમાં પણ આજે વરસાદી ઝાપટું પડ્યું હતું. દિવસભરના ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેથી લોકોને ગરમીમાંથી રાહત થઈ હતી.


વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, જેના કારણે નોકરી પર જતા-આવતા લોકોને હાલાકી પડી રહી છે. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત પણ મેળવી છે. તો ભાવનગર શહેરમાં ગઇકાલે દિવસભર આકરી ગરમી અને બફારા બાદ રાત્રે 8 વાગ્યા આસપાસ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. પવન સાથે વરસાદ વરસતાં લોકોએ દિવસભરની ગરમી બાદ રાત્રે ઠંડક અનુભવી હતી. તો રાત્રે થોડો વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે.