વરસાદ@નવસારી: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકાર, ઘરમાં કાવેરી નદીનાં પાણી ઘૂસ્યાં
લોકો સલામત સ્થળે ખસી ગયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ બાદ મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. શનિવારે રાતથી શરૂ થયેલી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે રવિવારે પણ યથાવત્ રહી છે. નવસારી જિલ્લા અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી વહેતી કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતૂર બની છે. કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં કાવેરીનાં પાણી ફરી વળ્યાં છે. નીચાણવાળા વિસ્તારમાં લોકોનાં ઘર સુધી પાણી પહોંચતાં લોકો પોતાનાં બાળકો અને જરૂરી સામાન ખભા પર ઊંચકી જાતે જ સલામત સ્થળે નીકળી ગયા હતા.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં શનિવારે રાત્રિથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, જે આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધી યથાવત્ રહ્યો છે. 12 કલાકના ગાળામાં જ ખેરગામમાં 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખેરગામ તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદને કારણે કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારમાં નદીનાં પાણી ફરી વળતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
કાવેરી નદીના જળસ્તરમાં વધારો થતાં ગણદેવીના ડેસરા વિસ્તારમાં નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. લોકોનાં ઘર સુધી પૂરનું પાણી પહોંચતાં લોકો ઘરની જરૂરી ચીજવસ્તુઓ માળિયા પર મૂકતા જોવા મળ્યા હતા. જળસ્તરમાં વધારો યથાવત્ રહેતા લોકો જાતે જ પોતાનો જરૂરી સામાન અને બાળકોને ખભે ઊંચકી કેડ સમા પાણીમાં નીકળીને સલામત સ્થળે ખસી ગયા હતા.
ડેસરા વિસ્તારના સ્થાનિક રણજિતભાઈએ જણાવ્યું હતું કે ઘરમાં પાણી ભરાઈ ગયાં છે. આ ત્રીજી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે, જાતે જ ઘરનો સામાન બહાર કાઢવાની નોબત આવી છે. આ વિસ્તારમાં બંધ બનાવ્યો છે એના કારણે આ પાણી બહાર નીકળી શકતું નથી. આ ત્રીજીવાર અમારા વિસ્તારમાં પાણી ભરાયાં છે, જેને કારણે અમારે મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.
આ વિસ્તારના સ્થાનિક તાર મોહમ્મદ મેમણ જણાવે છે, કાવેરી નદીના પાણી આ વિસ્તારમાં ન પ્રવેશે એ માટે એક સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે, જેના હોલ નાના હોવાથી પાણી આવી તો જાય છે, પણ પરંતુ બહાર નીકળી શકતું નથી, જેને કારણે નીચાણવાળાં ઘરોમાં સીઝનમાં કુલ બે વખત પાણી ભરાયાં છે અને પાંચ વખત આ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં છે. તંત્ર જો આ પાણી નિકાલની વ્યવસ્થા કરે તો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. કાવેરી નદી આ વિસ્તારથી નજીક વહે છે, જેને કારણે દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે.
નવસારીના ચિખલીમાં કાવેરી નદીના કિનારે બનેલા રિવફ્રન્ટ બનાવવામાં આવેલું શિવમંદિર જળમગ્ન થયું હતું. કાવેરી નદીનો જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં શિવમંદિર જળમગ્ન બન્યું હતું.
નવસારી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અને કાવેરી નદીએ બપોરે 4 વાગ્યાના અરસામાં ભયજનક સપાટીને વટાવી હતી. પૂર્ણા નદીની સપાટી 26 ફૂટની નજીક પહોંચી હતી. જ્યારે કાવેરી નદીની સપાટી 19 ફૂટને પાર કરી ગઈ હતી. કાવેરી નદીના પાણી બીલીમોરા, ચીખલી અને ગણદેવીના કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યા છે. તો બીજી તરફ પૂર્ણા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો હોય નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનું સંકટ સર્જાયું છે. નવસારી-વિજલપોર પાલિકા દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને નદીનો જળસ્તર ભયજનક સપાટીને પાર કરી ચૂક્યું છે.જેના કારણે નવસારી શહેરના ભેંસત ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ યથાવત્ રહે અને પૂર્ણાના જળસ્તરમાં વધારો થાય તો નવસારી શહેરના લોકોએ વધુ એકવાર પૂરની સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.