વરસાદ@સૌરાષ્ટ્ર: મેઘરાજાએ કર્યું જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ

ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં બઘડાટી બોલાવી નાંખી છે.
 
વરસાદ@સૌરાષ્ટ્ર: મેઘરાજાએ કર્યું જળબંબાકાર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

  ચોમાસાની સરુવાત થઇ ગઈ છે. ગુજરાત રાજ્યમાં  ગણા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાથી પાણી-પાણી જોવા મળે છે.રસ્તાઓ પર ને નગરો-મહાનગરોમાં પાણી ભરાઈ ગયા છે.સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ સર્જાયું છે. છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યા છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે.રાજકોટના જેતપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.જેતપુર તાલુકાના ચાંપરાજપુર, થાણા ગાલોળ, ડેડરવા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જેતપુર થાણા ગાલોળ, અમરેલીના રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. જેતપુર-થાણા ગાલોર રોડ ઉપર ખેતર અને રસ્તો એક સમાન બની ગયો હોય એવો ઘાટ સર્જાયો હતો.તો બીજી તરફ, રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ થતા વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે પાણીના પ્રવાહમાં કાર ફસાતા વાહનચાલક કાર મૂકીને રોડ પર દોડી આવ્યો હતો. સતત બે કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા જેતપુર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ધોધમાર વરસાદને કારણે ધોરાજીની શફૂરા નદી બે કાંઠે વહેતી થઈ હતી. સતત બે દિવસથી વરસતા વરસાદને કારણે ધોરાજીમાં ઠેર-ઠેર પાણી ભરાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી પણ પાણીનો પ્રવાહ વહેતો થતાં શફુરા નદીમાં ધસમસતા પાણી આવ્યા હતા. પાણી આવતા શફુરાનો કોઝવે ફરી પાણીમાં ગરકાવ થયો હતો. કોઝવે પરથી પાણીનો પ્રવાહ વધતા પંચનાથ મહાદેવ મંદિર જતો મુખ્ય માર્ગ બંધ કરવો પડ્યો હતો.સતત બે દિવસથી વરસી રહેલો ધોધમાર વરસાદથી ધોરાજીની જમીન જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું હતું. ભારે વરસાદથી ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. કારણ કે, મોટાભાગના ખેતરોમાં બેટમાં ફેરવાઈ ગયા છે. ખેડૂતોએ કપાસના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અવિરત વરસાદે કપાસના પાક પર પાણી ફેરવી નાંખ્યું છે.તો બીજી તરફ, ઉપલેટાનો મોજ ડેમ પણ મોજમાં આવી જતા ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધતા ડેમના તમામ 27 દરવાજા ખોલવાની ફરજ પડી ગઈ છે. ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થતા લોકોને નદી કિનારેથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.બીજી તરફ, જામનગર જિલ્લો અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ઉંડ-2 ડેમમાં ઓવરફ્લો થયો હતો. ધ્રોલ-જોડિયાનો ઉંડ-ે ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ઉંડ-2 ડેમના 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવતા પાણી વહેતા થયા હતા. નીચાણવાળા વિસ્તારોના જોડિયા, બાદનપર, કુન્નડ, આણંદા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.આ તરફ ભાવનગરમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચડ્યા અને ભારે વરસાદ બનીને ખાબક્યો હતો. ભાવનગર શહેરનાં કાળિયાબીડ, કાળાનાળા, ભગવતી સર્કલ, વિરાણી સર્કલ, સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.