વરસાદ@અમદાવાદ: નિકોલમાં 2 ઇંચ વરસાદે ઘરો-રોડ પર કેડસમાં પાણી ભરાયા, ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી

 લોકોને ગટરનાં પાણીમાંથી પસાર થવું પડ્યું

 
વરસાદ@અમદાવાદ: નિકોલમાં 2 ઇંચ વરસાદે ઘરો-રોડ પર કેડસમાં પાણી ભરાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થોડા દિવસ વિરામ લીધા બાદ રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારમાં ફરી ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. અમદાવાના નિકોલમાં 2 ઇંચ વરસાદે ઘરો-રોડ પર કેડસમાં પાણી ભરાયા.વર્ષ 2017માં પડેલા ભારે વરસાદના કારણે અમદાવાદના નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બોટ લઈને ગયા હતા. એ મધુમાલતી આવાસ યોજનામાં સાત વર્ષ બાદ પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. નિકોલમાં પડેલા બે ઇંચથી વધુ વરસાદને લઈ કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસ યોજનાનાં મકાનો અને રોડ પર કેડસમાં પાણી ભરાયાં છે. જોકે, પાંચ દિવસ પહેલાં પણ વરસાદી પાણી ભરાતાં સ્થાનિકો આ રીતે જ હેરાન-પરેશાન થયા હતા. ત્યારે ફરીવાર નિદ્રાધીન તંત્રના પાપે ફરી આવાસ યોજનાના 1,000 લોકોને ગટર અને વરસાદી પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. દસ્ક્રોઇ વિધાનસભામાં આવતા આ વિસ્તારના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલ અને નિકોલ વોર્ડના એકપણ કોર્પોરેટર મધુમાલતી આવાસ યોજનાના કારણે હેરાન-પરેશાન થનારા લોકોની મદદે આવ્યા નથી.


દસ્ક્રોઇ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બાબુદાસ જમનાદાસ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે કાર્યક્રમ હતો ત્યાં ગયો હતો. કાર્યક્રમ પૂરો થયા બાદ હું તરત જ મારા મત વિસ્તારમાં જઈ રહ્યો છું અને અધિકારીઓ તેમજ કોર્પોરેટરોને બોલાવીને મિટિંગ કરું છું. વરસાદી પાણી ભરાય જ છે તે બાબતે તેઓને પૂછતા તેઓએ કહ્યું હતું કે, હું ત્યાં બે દિવસથી જાઉં છું. નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિલાસબેન દેસાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું સવારે મધુમાલતી આવાસ યોજના ખાતે ગઈ હતી, પરંતુ અંદર બહુ પાણી ભરાયેલું હતું એટલે તેઓ બહારથી જોઈ અને અધિકારીઓને સૂચના આપી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જવા માટે રવાના થઈ ગયાં હતાં.


ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાયાં છે, ત્યારે ખૂબ પાણી હોવાથી લોકોને અવર-જવર કરવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી આપી છે. એસ્ટેટ વિભાગને પણ પૂરતા સાધનની જરૂરિયાત હોવાથી પૂરાં પાડવાની સૂચના આપી હતી. નિકોલ ખાતે આવેલા ગોપાલ ચોકમાં પણ પાણીનો પ્રશ્ન હતો ત્યાં હું ગયો હતો જેની સૂચના આપી અને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં આવવા માટે નીકળી ગયો હતો.


ભાજપના કોર્પોરેટર દીપક પંચાલે જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે હું ત્યાં ગયો હતો અને પાણીના નિકાલની વ્યવસ્થા માટેની સૂચના આપી હતી. વર્ષોથી આ તકલીફ છે તેના માટે આયોજન પણ કરી દેવામાં આવ્યું હતું. હાલ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાંથી પાણીના નિકાલની જે વ્યવસ્થા છે તે એક જ છે. નવી લાઈન નાખવામાં આવશે. જેથી આ તકલીફ પૂરી થઈ જશે. જ્યારે ભાજપના અન્ય કોર્પોરેટર ઉષા રોહિતે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું હાલ મધુમાલતી આવાસ ખાતે છું. સ્થાનિક રહીશો સાથે અમે સતત સંપર્કમાં છીએ અને જોઈએ તેટલી મદદ કરી રહ્યાં છીએ.


નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનાના સ્થાનિક રહેવાસી વિનોદભાઈ પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક અઠવાડિયા પહેલાં ભારે વરસાદના કારણે ભરાયેલાં પાણી પાંચ દિવસ બાદ ઊતર્યા હતા અને ફરી એકવાર ગઈકાલે ધોધમાર વરસાદ પડતા આખા આવાસ યોજનાનાં મકાનોમાં લોકોનાં ઘર અને રોડ ઉપર પાણી ભરાઈ ગયાં છે. ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને બહાર લઈ જવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. મારો દીકરો બીમાર છે ત્યારે તેને હોસ્પિટલમાં લઇ જવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી. ટ્રેક્ટરમાં બેસાડીને તેને હોસ્પિટલ ખસેડવો પડ્યો છે.


ભાજપના ધારાસભ્ય કે કોર્પોરેટર કોઈપણ અહીંયાં જોવા આવ્યા નથી. ભાજપના નેતાઓ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતા રહ્યા છે, અહીંયાં આવ્યા નથી. ધારાસભ્ય અને કોર્પોરેટર આવીને આશ્વાસન આપી જતા રહે છે, પરંતુ કોઈ કામગીરી થતી નથી. લોકોનાં ઘરમાં પાણી ઘૂસી ગયાં છે. રોડ ઉપર કમરથી ઉપર સુધીનાં પાણી ભરાયાં છે છતાં પણ હજી સુધી કોઈ મદદ મળી નથી. ગટરનાં ગંદાં પાણીમાંથી ચાલીને લોકો બહાર આવી રહ્યા છે. મધુમાલતી આવાસ યોજનાની આસપાસમાં આવેલા એસ્ટેટના રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયાં છે. એસ્ટેટ અને આવાસ યોજનામાં જવા જેવી પરિસ્થિતિ રહી નથી.
 

નિકોલ-કઠવાડા રોડ ઉપર મધુમાલતી આવાસ યોજના બનાવવામાં આવ્યાં ત્યારે ઔડા વિસ્તાર હતો. ત્યાર બાદ વર્ષ 2017માં ભારે વરસાદના કારણે ત્યાં પાણી ભરાતાં બોટ લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગયા હતા. આ પરિસ્થિતિ હોવા અંગે તંત્રના અધિકારીઓ ઉપર અને રાજ્ય સરકારના ધ્યાને હોવા છતાં પણ ત્રણ વર્ષ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નહીં. વર્ષ 2021માં જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કઠવાડા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે સૌ પ્રથમ પ્રિમોન્સૂન કામગીરીમાં મધુમાલતી આવાસ યોજના સૌથી મોટું વરસાદી પાણી ભરાવાનું સ્પોટ છે તો તેનો નિકાલ માટે કામગીરી કરવાની જરૂરિયાત હતી.


જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ થયા બાદ કમિશનરથી લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સ્થાનિક કોર્પોરેટરોએ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં ધ્યાન ન આપતા આજે પણ સાત વર્ષ બાદ નાગરિકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે. માત્ર વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ ખરેખર જ્યાં વિકાસની જરૂરિયાત હોય છે, ત્યાં વિકાસ દેખાતો નથી. નિકોલ મધુમાલતી આવાસ યોજનાથી એસ્ટેટ તરફ જવાના રોડ ઉપર પણ પાણી ભરાયેલાં છે જેને લઇને એસ્ટેટના વેપારીઓ અને આસપાસના રહીશોમાં પણ ભારે રોષ ફેલાતા તેઓએ ભાજપ વિરુદ્ધ નારેબાજી કરી હતી.