વરસાદ@દ્વારકા: દ્વારકામાં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી મેઘતાંડવ જોવા મળ્યું, 7 ઈંચ વરસાદ વસ્યો
ઘરોમાં પાણી ઘૂસી જતાં કપરી સ્થિતિ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અતિભારે આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘતાંડવ જોવા મળ્યું છે. ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. દ્વારકાને ધમરોળ્યા બાદ આજે પણ વહેલી સવારથી જ મેઘરાજાએ ફરી બેટિંગ ચાલુ કરી દીધી છે. અજ સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકામાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એના કારણે સમગ્ર દ્વારકા જાણે પાણીમાં ડૂબી ગયું હોય એવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક સ્થળોએ પાણી ભરાઈ જતાં શાળામાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદ અને નુકસાનને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે.
હાલ દ્વારકા તાલુકાનો સિઝનનો કુલ વરસાદ 36 ઈંચથી વધુ વરસી જવા પામ્યો છે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, દ્વારકા તાલુકાને બાદ કરતાં જિલ્લાના અન્ય ત્રણ તાલુકા ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયાં હળવાં ઝાપટાં વરસ્યાં હતાં, પરંતુ દ્વારકામાં પાણી ભરાવાને લઈ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી.
મુખ્ય માર્ગ એવા ઇસ્કોન ગેટ પાસે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ચૂક્યું છે, જ્યારે ગુરુદ્વારા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીમાં ગાડી બંધ પડી જતાં લોકોને ગોઠણડૂબ પાણીમાં કારને ધક્કો મારીને લઈ જવાની ફરજ પડી હતી. જ્યારે અમુક રાહદારીઓએ JCBનો સહારો લઈ વરસાદી પાણીમાંથી રસ્તો પસાર કર્યો હતો. દ્વારકામાં ભારે વરસાદ અને નુકસાનીને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. ત્યારે આજ રોજ જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે ભારે હાલાકીભર્યાં દૃશ્યો સર્જાયાં હતાં. ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા હતા, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. અમુક નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણડૂબ તો અમૂક વિસ્તારોમાં છાતી સમા પાણી ભરાયાં છે.
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા બે દિવસથી ધીમી ધારે વરસતા વરસાદ બાદ કાલ સાંજે ચાર વાગ્યે અચાનક વાદળ ફાટતાં બે કલાકની અંદર 10 ઇંચ જેટલું પાણી વરસ્યું હતું, જેના હિસાબે દ્વારકાનાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. દ્વારકાના મુખ્ય એવા ભદ્રકાલી ચોક ખાતે ચારથી પાંચ ફૂટ જેટલાં પાણી ભરાઈ ગયાં હતાં તેમજ દ્વારકાના મુખ્ય માર્ગ ઇસ્કોન ગેટ તથા ગુરુદ્વારા વિસ્તારમાં પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. લોકોની દુકાનો અંદર તેમજ બરોડા ઓફ બેંક અને સેન્ટ્રલ બેન્કમાં પાણી ભરાવાથી લાખોની મતાનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય. આજે બપોરના 12 કલાક પછી વરસાદે વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો. દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. બહારગામથી આવી રહેલા યાત્રિકોને પણ વરસાદના પાણી ભરાવાને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમુક વિસ્તારોમાં ગઈકાલથી લાઈટ ડૂલ થતાં પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
દ્વારકામાં રહેતા સ્થાનિક નીલેશ ગોજીયાએ જણાવ્યું હતું કે, તેઓ ઈસ્કોન ગેટ આગળ કનૈયા કાઢીયાવાડી રેસ્ટોરાં ચલાવું છું. વરસાદને લીધે ત્રણ-ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને ધંધાને પણ ખૂબ નુકસાન પહોંચ્યું છે. નીંચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેથી અમારી દ્વારકાધીશને પ્રાથના છે કે હવે વરસાદ ના આવે અને નગરપાલિકાએ એટલી અપીલ છે કે, જલ્દીથી વરસાદી પાણીનો કંઈક નીકાલ કરે. જ્યારે અન્ય એક સ્થાનિક પાર્ક રોયલ હોટલના મેનેજર એવા નિખિલ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, દ્વારકામાં ખાબકેલા અતિભારે વરસાદને પગલે અહીંયાના સ્થાનિકો અને યાત્રાળુઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ભદ્રકાળી ચોક, સ્ટોન ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.