વરસાદ@ગુજરાત: રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ, કયા કયા વિસ્તારમાં મેઘરાજા વરસ્યા ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં લાંબા સમય વિરામ બાદ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, ગઈકાલે રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
વલસાડ અને નવસારી જિલ્લાની નદીઓ ભયજનક સપાટીને પાર કરી જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને સલામત સ્થળે જવાની ફરજ પડી હતી. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં આજથી શરૂ થયેલા શ્રાવણી મેળાના પ્રારંભે જ વરસેલા વરસાદે મેળાની રંગત બગાડી હતી. આજે 26 ઓગસ્ટ સોમવારે પણ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 26 ઓગસ્ટ સોમવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે તે સિવાયના અન્ય 26 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.