વરસાદ@ગુજરાત: ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઇ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી.

આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. સુત્રાપાડામાં સવારના માત્ર 3 કલાકમાં જ 4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે. તો ઉના શહેરમાં પણ સવારે 6થી 8 વાગ્યા સુધીના બે કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત, કોડીનાર તાલુકામાં પણ સવારે 6થી 8 વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વ્યાપક વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. અત્યારે રાજ્યમાં ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર એરિયા સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે. ગઈકાલની જેમ અમદાવાદમાં આજે પણ એકથી બે વખત વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે.