વરસાદ@ગુજરાત: અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું તાંડવ, આજે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની ફરી શરૂવાત થઈ ગઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા મહેસાણા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર છે.

અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં વાદળોના ગળગળાટ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં સવારે સાત વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 40 મિનિટના સમયગાળામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઓગણજ, જગતપુર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાયન્સ સિટી અને ચાંદલોડિયા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા, સરખેજ મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સિઝનનો 85 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાની વાત કરીએ તો 17 જિલ્લા એવા છે કે જ્યાં 12 ટકાથી લઈ 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાના પ્રારંભે વરસેલા વરસાદના કારણે ખેતીને તો હાલ પૂરતો ટેકો થઈ ગયો છે. પરંતુ, જો આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈ ચિંતા વધી શકે છે.