વરસાદ@ગુજરાત: અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો, તમારા શહેરનું વાતાવરણ કેવું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી-ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચશે. આજે દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું યલો એલર્ટ.દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. મુંબઈમાં પહોંચેલું ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં પડ્યો છે.
હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે.
દરિયામાં ઊંચા મોજાં અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોએ દરિયો ન ખેડતા સૂચના આપી છે. હાલ રાજ્યમાં તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. તો નવસારી જિલ્લામાં તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે.

