વરસાદ@ગુજરાત: આજે કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે અમરેલીના લાઠી પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખેતી માટે કાચા સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રાજ્યમાં સિઝનનો 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, હજી પણ 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે.

આજે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 22 જિલ્લાના 77 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ ખેડાના નડિયાદમાં 61 મીમી વરસાદ નોંધાયો.

અમરેલી જિલ્લામા લાઠી શહેર સહિત સમગ્ર પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લાઠી ઉપરાંત દામનગર, ઠાંસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત બીજા દિવસે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પર વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી.

ચોમાસાના અંતિમ તબક્કામાં વરસી રહેલા આ વરસાદથી ખેડૂતોને રાહત મળી છે. ખેતરોમાં ઉભેલા પાક માટે વરસાદ ફાયદાકારક સાબિત થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને અગાઉ વરસાદના વિરામને કારણે પાકને પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી, ત્યારે સતત બીજા દિવસે પડેલા વરસાદથી પાકને જરૂરી ભેજ મળી રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો છે. ઝોનવાઈઝ વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં 113 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત 89 ટકા,. ઉત્તર ગુજરાત 71 ટકા, સૌરાષ્ટ્ર 68 ટકા અને કચ્છમાં 57 ટકા વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં આજની તારીખે 8 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરીએ તો અહીં તો 22 ટકા વરસાદની ઘટ છે.