વરસાદ@ગુજરાત: આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ

રાજ્યના 28 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરતમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ ગઈ છે.ગોઠણ સુધી પાણી ભરાયા.સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે. ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 02 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે.

આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 28 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે. સૌથી વધુ સુરત શહેરમાં 2 ઈંચ તો સૌથી ઓછો તાપીના વાલોદમાં 1 મિમી વરસાદ નોંધાયો છે. સુરતમાં છેલ્લા 15 દિવસની લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી વિધિવત ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનાથી અનેક ગરનાળા-રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાયા. આ ઉપરાંત નવસારી, અમરેલી, જૂનાગઢ, ઉના, તાપી સહિતના પંથકમાં વરસાદ શરૂ થતાં ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સુરતમાં લાંબી રાહ જોયા બાદ મોડીરાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના કતારગામ, ઉધના-નવસારી રોડ અને પર્વત પાટિયા જેવા અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે, જેના કારણે રસ્તાઓ પર વાહનો બંધ થતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમરોલી પોલીસ સ્ટેશન આસપાસના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે, વરાછાની ઈશ્વર કૃપા સોસાયટીમાં ઝાડ પડવાની ઘટના બની છે, તેમજ ભીમનગર ગરનાળામાં ગટરના ગંદા પાણી ઉભરાઈને અંડરપાસ સ્વિમિંગ પૂલ બનતા ઉધનાથી સચિન તરફ જતો મુખ્ય માર્ગ કલાકો સુધી ટ્રાફિકજામમાં અટવાયો હતો.

ભારે વરસાદના કારણે શૈક્ષણિક સંસ્થાઓ પર પણ માઠી અસર પડી છે. વેસુની ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસના વર્ગખંડો અને મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, પર્વત ગામ વિસ્તારમાં મીઠી ખાડીના પાણી બેક મારવાના કારણે કાયમી સમસ્યા સર્જાતા સરસ્વતી વિદ્યાલયના માસૂમ વિદ્યાર્થીઓ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. વારંવાર સર્જાતી જળબંબાકારની આ પરિસ્થિતિ અને પાલિકાના નબળા આયોજનને લીધે સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.