વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 164 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાજુલામાં 11 ઇંચ, ધારીમાં 9 ઇંચ અને ખાંભામાં 7 ઇંચ વરસાદે અમરેલી જિલ્લાને ઘમરોળી નાખ્યો છે. ભારે વરસાદથી સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ, ધારી અને ખાંભા તાલુકાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.

ઉના-અમરેલી પંથકમાં ભારે વરસાદના કારણે PGVCL વર્તુળ ડિવિઝનને મોટું નુકસાન પહોંચ્યું છે. તોફાની પવન અને વરસાદને લીધે અમરેલીમાં 222 વીજપોલ અને 9 ટ્રાન્સફોર્મર ધરાશાયી થઈ ગયા છે, જેના કારણે ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાના 55 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ગુલ થઈ ગયો છે. અંધારપટ છવાઈ જતાં PGVCL વિભાગની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.

રેડ એલર્ટને વચ્ચે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ 24 કલાક સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત થઈ ગયો છે. પૂર કે જળબંબાકાર જેવી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. કોઈ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં ત્વરિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ અને સાધનો સજ્જ કરી લેવામાં આવ્યા છે.