વરસાદ@ગુજરાત: 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ નોંધાયો, સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં સૌથી વધુ સુરતના અંબિકામાં 24 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અન્ય 12 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે બે દુર્ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં નવસારીમાં ભારે વરસાદ સમયે કરંટ લાગતા 3 લોકોના મોત થયાં છે. જ્યારે આણંદમાં ખુલ્લી કાંસમાં 3 બાળકના તણાવાથી એક બાળકીનું મોત થયું અને બે બાળકોનો બચાવ થયો હતો.
બીજી તરફ, છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિન નદીમાંથી અને તિલકવાડામાં પૂર વચ્ચે ઝાડ પરથી એમ બે યુવકનું રેસ્ક્યૂ કરાયું હતું. વડોદરામાં સુમન દીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા રાત્રિના 3 વાગ્યે 150 વિદ્યાર્થીઓને વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.
આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. બે કલાકમાં સુરેન્દ્રનગરના ચૂડામાં 3.46 ઇંચ વરસાદ ખાબક્યો છે. આજે અમદાવાદ-રાજકોટ સહિત 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભરૂચ, પાટણ, ગાંધીનગર સહિત 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જામનગર-જૂનાગઢ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે 10 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

