વરસાદ@ગુજરાત: રાજ્યના 118 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?

રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી મેઘરાજાનું આગમન થયું ગયું છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.73 ઇંચ વરસ્યો છે. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સાર્વત્રિક રીતે સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગાજવીજ અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ સાવચેત રહેવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગના નીતિવિષયક વિશ્લેષણ અને સેટેલાઇટ ઈમેજ મુજબ, હાલ રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી વેધર સિસ્ટમ ‘લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ’ સક્રિય છે. આ ચાર સિસ્ટમના પ્રભાવના કારણે આગામી દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે અને છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે, આજે રથયાત્રાના દિવસે અમદાવાદમાં થન્ડરસ્ટોર્મ અને તેજ પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની ખાસ સંભાવના દર્શાવી છે.

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શરૂઆતના વરસાદ બાદ છેલ્લા બે સપ્તાહથી વરસાદ ખેંચાતા અસહ્ય ઉકળાટનો માહોલ સર્જાયો હતો. લાંબા વિરામ બાદ ગત મોડીરાત્રે એકાએક વરસાદ શરૂ થતાં સમગ્ર પંથકમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદના કારણે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે અને સૂકાઈ રહેલા પાકોને નવું જીવનદાન મળ્યું છે. પાટણ રાત્રે 2થી 6 વાગ્યા સુધીમાં 17 મિમી, સરસ્વતી તાલુકામાં રાત્રે 2થી 4 વાગ્યામાં 25 મિમી, હારીજમાં 2 મિમી, સમીમાં 4 મિમી, ચાણસ્મામાં 1 મિમી વરસાદ વરસયો છે.

વરસાદના સત્તાવાર આંકડાકીય વિશ્લેષણ તરફ નજર કરીએ તો ચાલુ સિઝનમાં હજુ પણ ચિંતાજનક ચિત્ર સામે આવી રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 મિમી વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગના લાંબાગાળાના રેકોર્ડ મુજબ, સામાન્ય પરિસ્થિતિમાં આ સમયગાળા દરમિયાન રાજ્યમાં સરેરાશ 226.1 મિમી વરસાદ વરસી જવો જોઈતો હતો. આ ગણતરીએ જોતાં ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા જેટલો ઓછો વરસાદ નોંધાયો છે, જેથી ખેડૂતો અને વહીવટી તંત્ર આગામી દિવસોમાં સારો વરસાદ વરસે તેની આશા રાખી રહ્યા છે.