વરસાદ@ગુજરાત: આજે સવારથી 42 તાલુકામાં વરસાદ નોંધાયો

કચ્છના માંડવી બે કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકાર 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સવારના 6થી 10 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના માંડવીમાં છેલ્લી બે કલાકમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે, બપોરે 1 વાગ્યા સુધી કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજકોટ, મોરબી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ છે.

12 સપ્ટેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગ ધમાકેદાર રહી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં 7.24 ઇંચ, ભાવનગરના વલ્લભીપુરમાં 6. 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. 14 તાલુકામાં 4 ઇંચથી વધુ, તો 26 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે બાકીના તાલુકાઓમાં 1 મિમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો.

ગઈકાલના ભારે વરસાદથી વડોદરા, અમરેલી, જૂનાગઢ, પાટણ સહિતના શહેરોની હાલત ખરાબ થઈ હતી. ખાસ અમદાવાદને 52 દિવસ બાદ ફરી મેઘરાજાએ ધમરોળતા જંળબંબોળ બન્યું હતું. સાંજ સુધીમાં સરેરાશ 3.43 ઇંચ વરસાદ નોંધાતાં મોસમનો કુલ વરસાદ 31 ઇંચે પહોંચી ગયો છે. ભારે વરસાદના પગલે અંડરપાસો 5થી 6 કલાક સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવા પડ્યા હતા.

શ્રાવણ મહિના દરમિયાન જે વરસાદ વરસવો જોઈએ તે આ વર્ષે જોવા ન મળ્યો. જો કે, ભાદરવાના પ્રારંભે જ ધોધમાર વરસાદનો રાઉન્ડ આવતા ખેડૂતો અને સરકારે રાહત અનુભવી છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદ બાદ પણ રાજ્યમાં સરેરાશ 17 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 80 ટકા વરસી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં હજી પણ ચિંતાના વાદળો જ ઘેરાયેલા છે.

નર્મદા ડેમમાં જળસંગ્રહ 95 ટકાને પાર થઈ ચૂક્યો છે. જો કે, અન્ય 206 જળાશયોમાં અત્યાર સુધીમાં 67 ટકા જ જળસંગ્રહ થયો છે. 79 ડેમ એવા છે કે, જેમાં હજી પણ 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે.

ગુજરાત પર અત્યારે એક્ટિવ સિસ્ટમ ટ્રફ, લો-પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું સક્રિય બન્યું છે. આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, બીજા દિવસથી એટલે કે, 16 સપ્ટેમ્બર પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જ જોવા મળશે. માછીમારો અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.