વરસાદ@ગુજરાત: રાજ્યના 154 તાલુકામાં વરસાદ નોંધાયો, આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ'

ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યના 154 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ગીર અને અમરેલી પંથકમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે અત્યંત ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને જોતાં આજે 8 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. ગીરમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે નદીઓ-નાળા છલકાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું મોડું આગમન થતા જૂન મહિનામાં વરસાદની ઘટ જોવા મળી હતી. જો કે, જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા મોટાભાગના જિલ્લાઓ કવર થઈ ચૂક્યા છે. જો કે, કચ્છ જિલ્લામાં હજી પણ વરસાદની ઘટ છે. કચ્છમાં સિઝનનો એક ટકા વરસાદ પણ વરસ્યો નથી. 7 તાલુકા તો સાવ કોરાધાકોડ રહ્યા છે.

પોરબંદર ફાયર ટીમને વહેલી સવારે 112 કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે બળેજ ગામ પાસે આવેલા બળેજ-અમીપુર રોડ પર વાહન લઈને પસાર થઈ રહેલો એક યુવક અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પૂરના પાણીમાં ફસાયો છે. ઘટનાની જાણ થતાં જ પોરબંદર ફાયર વિભાગની ટીમ તુરંત બોટ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ જૂનાગઢથી માધવપુર જઈ રહેલા 22 વર્ષીય રાજશી રામ નામના યુવકનું બોટ દ્વારા સફળ રેસ્ક્યૂ કરી તેને સલામત સ્થળે ખસેડ્યો હતો.

અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે જળાશયોમાં પાણીની ભારે આવક થઈ રહી છે, જેમાં રાજુલાનો ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થતાં વહીવટી તંત્ર દ્વારા તેના 6 દરવાજા ખોલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા ખાખબાઈ, હિંડોરણા, વડ, ભચાદર, કોવાયા અને ઉચેયા સહિત 8થી વધુ ગામોને સાવચેત રહેવા કડક સૂચના અપાઈ છે.

બીજી તરફ ખાંભા તાલુકાનો રાયડી ડેમ પણ ઓવરફ્લો થતાં નાગેશ્રી, ચૌત્રા અને બારમણ સહિતના કાંઠાના ગામોને તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વધુમાં, રાજુલાનો ધાતરવડી ડેમ-1 પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાથી પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા તેમજ નદી-નાળાના પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

ઉના પંથકમાં આભ ફાટતાં વાહનવ્યવહાર પર બ્રેક વાગી ગઈ હતી. ઉના-ભાવનગર નેશનલ હાઈવે પર ગાંગડા ગામ નજીક પૂરના પાણી ફરી વળતાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. હાઈવે પર આવેલી તુલસી હોટેલ અને ભગીરથ હોટેલ પરિસરમાં માલણ નદીના પૂરના પાણી ધસમસતા પ્રવાહ સાથે ઘૂસી ગયા હતાં.