વરસાદ@ગુજરાત: રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો, ઉમરપાડામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો, વલસાડ, નવસારીના ઇટાળવા-જમાલપોર, તાપીના વ્યારા-વાલોડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.
સવારના 6થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.77 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેરમાં પણ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લિંબાયતનું ગરનાળું બેટમાં ફેરવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં લોકો જીવના જોખમે આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, જે તંત્રની બેદરકારી દર્શાવે છે.
વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. વલસાડ અને મુઘરાવાળીને જોડતો મુખ્ય માર્ગ પરના મુઘરાવાળી રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થી સહિત નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

