વરસાદ@ગુજરાત: આજે રાજ્યનાં 234 તાલુકમાં વરસાદ નોંધાયો, મોરબીમાં 8 ઇંચ વરસાદ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધીમાં 234 તાલુકમાં સૌથી વધુ મોરબીમાં 8 ઈંચ તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. લીલાપુર ગામમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં સંપર્કવિહોણું બન્યું છે. લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતાં આગળ આવેલા કારેલા, ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો
24 કલાકમાં 34 જિલ્લાના 255 તાલુકામાં સરેરાશ 79.84 મિમી વરસાદ નોંધાયો છે. આ 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરતના અંબિકા તાલુકામાં 22.24 ઇંચ, તાપીના ડોલવણમાં 16.73 ઇંચ, ખેડાના વસોમાં 16.38 ઇંચ, નવસારીના વાંસદામાં 16.26 ઇંચ અને ખેડાના નડિયાદમાં 13.43 ઇંચ નોંધાયો છે. રાજ્યમાં ચાલુ સિઝનમાં આજ સવારના 6 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 23.17 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના સરેરાશ વરસાદના 64.76% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો છે.

