વરસાદ@ગુજરાત: આજે રાજ્યનાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો, જાણો તમારા શહેરનું વાતાવરણ કેવું રહેશે ?

6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાદ વરસાદ વરસી રહ્યો છે.આજે 59 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.કપરાડા અને નાનાપોંઢામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો.ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ મુજબ, આજે નવસારી, વલસાડ અને ડાંગમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈના રોજ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધામાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.26 ઈંચ અને નાનાપોંઢામાં 1.14 ઈંચ વરસાજ ખાબક્યો છે.

નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદને કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે.

આ ડ્રોન દ્રશ્યોમાં આખું નવસારી શહેર એક વિશાળ દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અત્યારે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, અને વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા છે. રસ્તાઓ જાણે નદીઓ બની વહી રહ્યા છે અને વાહનો હોડીઓની જેમ પાણીમાં તરી રહ્યા છે. સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 14 ઈંચ, કપરાડામાં 13 ઈંચ અને જલાલપોરમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.

જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT  પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાતા રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ મારફતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓની સ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, મહેસાણા, સુરેન્દ્રનગર, અમદાવાદ, અમરેલી, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર, પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારી તેમજ સંબંધિત મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો જોડાયા હતા.

હર્ષ સંઘવીએ તમામ અધિકારીઓ પાસેથી ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકારે તમામ જિલ્લા વહીવટી તંત્રને 24 કલાક કાર્યરત રહેવા અને કંટ્રોલ રૂમ સતત સક્રિય રાખવા સ્પષ્ટ સૂચના આપી છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બને તો NDRF અને SDRFની ટીમોને તાત્કાલિક તૈનાત કરવા તેમજ જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સમયસર સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવાની તૈયારી રાખવા આદેશ આપવામાં આવ્યા છે.