વરસાદ@ગુજરાત: આજે 5 જિલ્લામાં રેડ એલર્ટ, તાપીનો ડોસવાડા ઓવરફ્લો, 17 ગામ એલર્ટ

નર્મદાના સાગબારા-ચીકદામાં નદીઓ ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘૂસ્યાં
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આજે સવારે 6થી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ રાજ્યના 76 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના વાલોદમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકતાં ચારેય તરફ પાણી ફરી વળ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ રાજ્યના 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે.

ભારે આકાશી આફત વચ્ચે તાપી જિલ્લાના સોનગઢમાં આવેલો ગાયકવાડી શાસન સમયનો ઐતિહાસિક ડોસવાડા વિયર ડેમ ઉપરવાસના ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ડેમની સપાટી પરથી 2.4 સેન્ટીમીટર જેટલું પાણી વહી રહ્યું હોવાથી હેઠવાસના 17 ગામોને હાઈએલર્ટ કરાયા છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે. સાગબારા અને ચીકદા પંથકમાં નદી-નાળાઓ ઉભરાતાં નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને ગરીબોની ઘરવખરી તણાઈ ગઈ છે. સેલંબાના ગોટાપાડા પુલ પર પાણી ફરી વળવા છતાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા હતા અને સેલંબા ખાડીમાં એક ગાય તણાઈ હોવાના અહેવાલ છે.

અમરેલી જિલ્લામાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે. સાવરકુંડલાના ફીફાદ ગામથી ગારીયાધાર રોડ પર આવેલી મેરામણ નદીમાં અચાનક પૂર આવતા એક ટ્રક પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ટ્રકમાં સવાર 8 લોકોના જીવ જોખમમાં મુકાતાં વંડા પોલીસની ટીમ સ્થાનિક આગેવાનોની મદદથી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ તમામ 8 લોકોને પૂરના પાણીમાંથી સુરક્ષિત બહાર કાઢી આબાદ બચાવ કર્યો હતો.