વરસાદ@ગુજરાત: કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબાક્યો

અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગ ગઈકાલે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ કચ્છ, અમરેલી, ગીર, દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખબાક્યો હતો.

જ્યારે રાત્રિના અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદ પૂર્વમાં થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આજે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રી કરતા નીચે પહોંચી ગયું છે. તો હજુ પણ 5 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયું છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત ત્રણ જેટલી સિસ્ટમ સક્રિય થતા પવનની દિશા બદલાઈ અને વાતાવરણમાં પલટો આવ્યો છે. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. જો કે અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.