વરસાદ@જૂનાગઢ: માંગરોળ-કેશોદ પંથકમાં 40 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદ પંથકમાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 3 દિવસથી સતત ધોધમાર વરસેલા વરસાદને કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયું છે અને સ્થાનિક જનજીવન પર તેની વ્યાપક અને ગંભીર અસરો જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધા બાદ પણ પૂરના ધસમસતા પાણી હજુ સુધી ઓસર્યા નથી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારો સહિતના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

પંથકની નદીઓ ગાંડીતૂર બનીને વહી રહી છે, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોનો ઊભો પાક સંપૂર્ણપણે તણાઈ જતાં ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને સમગ્ર પંથકમાં ચિંતાજનક માહોલ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, માંગરોળ બંદર સોસાયટીમાં પાણી ભરાયા હતા, લોકોએ હોડીમાં સવાર થઈને મોજ માણી હતી.

ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કિશન ગળસરે જણાવ્યું હતું કે, રસ્તાઓ બંધ થવાને કારણે દ્વારકાથી કોડીનાર તરફ જઈ રહેલી આશરે 18 જેટલી એસટી બસો માર્ગમાં જ અટવાઈ પડી હતી, જેમાં અંદાજે 900 જેટલા મુસાફરો સવાર હતા. આ તમામ અટવાયેલા 900 મુસાફરોને તંત્ર દ્વારા મક્તુમપુર સાયક્લોન શેલ્ટર ખાતે સુરક્ષિત આશ્રય આપી રાત્રિ રોકાણ કરાવવામાં આવ્યું હતું અને તેમના માટે ચા-પાણી તેમજ ગરમ નાસ્તાની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

માંગરોળના સ્થાનિક રહીશ ભગવાનજીભાઈ મોરીએ પૂર અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાની નોળી નદીમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અતિશય અને મુશળધાર વરસાદને કારણે અત્યંત ભયાનક ઘોડાપૂર આવ્યું છે. આ પૂરના પ્રચંડ પ્રવાહના લીધે વેરાવળ-પોરબંદર હાઇવે પર આવેલો એક મોટો કોઝવે એટલે કે બેરેજ આશરે 25થી 30 ફૂટ જેટલો વ્યાપક પ્રમાણમાં તૂટી પડ્યો છે. અને હાલમાં આ વ્યસ્ત હાઇવે પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે અને અનેક વાહનો અટવાઈ પડ્યા છે. જોકે પરિસ્થિતિની ગંભીરતાને જોતા સરકારી તંત્રએ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે અને તંત્ર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં જ આ રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે સત્તાવાર રીતે ખુલ્લો કરી દેવામાં આવશે.

કેશોદના જોનપુર ગામના માજી સરપંચ દેવદાનભાઈ પીઠીયાએ જણાવ્યું હતું કે, જોનપુર ગામથી આગળ જવા માટેના જે મહત્વના ગ્રામ્ય વિસ્તારો છે, જેમાં ખાસ કરીને મુળિયાસા, બામણાસા, બાલાગામ અને સરોડ સહિતના ઘેડ વિસ્તારના ગામોનો સમાવેશ થાય છે, ત્યાં જવા માટેનો મુખ્ય રસ્તો હાલ જોનપુર ગામ પાસેથી જ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો છે. આ વિસ્તારમાં આટલી મોટી માત્રામાં પાણી ભરાવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ઉપરવાસમાં આવેલા મેંદરડા તાલુકા, સાસણ અને વંથલી બાજુના વિસ્તારોમાં આ વખતે આશરે 10થી 12 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે.

વધુમાં કહ્યું કે, આ ઉપરવાસના ભારે વરસાદનું પાણી વહીને આવવાના કારણે જ લાંગડી નદી અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે અને તેના પાણી આ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. આ નદીઓના પૂરના લીધે અહીં અવારનવાર 3થી 4 ફૂટ જેટલા પાણી રસ્તાઓ પર ભરાઈ જાય છે, જેના લીધે અવરજવર બંધ થઈ જાય છે.

માંગરોળ પંથકમાં થયેલા વરસાદ અંગે કેશોદના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કિશન ગળસરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી માંગરોળ પંથકમાં સતત આકાશી આફત જેવો ભારે વરસાદ પડી રહ્યો હતો, જેમાં આગલા દિવસે 16 ઇંચ અને ત્યારબાદના બીજા જ દિવસે વધુ 22.5 ઇંચ જેટલો રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો હતો. આમ માત્ર બેથી ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ આ વિસ્તારમાં કુલ 40 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે, જે સમગ્ર સીઝનનો 100 ટકા જેટલો વરસાદ દર્શાવે છે. આ અતિવૃષ્ટિને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીના સ્તરમાં સતત ચિંતાજનક વધારો થયો હતો.

ઇન્ચાર્જ પ્રાંત અધિકારીએ કહ્યું કે, પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ ચીફ ઓફિસર સહિતની સમગ્ર વહીવટી ટીમ દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. પૂરની સ્થિતિ સર્જાતા જ પ્રભાવિત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત સગર્ભા મહિલાઓને કોઈ પણ પ્રકારની ઇમરજન્સી તબીબી સેવા માટે મુશ્કેલી ન નડે તે હેતુથી અગાઉથી જ ઓળખ કરીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.