વરસાદ@મહેસાણા: મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ

સૌથી વધુ વરસાદ કડી અને જોટાણા તાલુકામાં નોંધાયો છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

મહેસાણા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમગ્ર જિલ્લામાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેના કારણે લાંબા સમયથી ગરમીથી અકળાયેલા લોકોને મોટી રાહત મળી છે. જોકે, આ આકસ્મિક વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સામે આવી છે.

જિલ્લામાં સૌથી વધુ વરસાદ કડી અને જોટાણા તાલુકામાં નોંધાયો છે, જ્યાં માત્ર થોડા જ કલાકોમાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ચારેય તરફ પાણી જ પાણી થઈ ગયું હતું. આ સિવાય સતલાસણા અને ઊંઝા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ખેરાલુમાં 1.8 ઇંચ, બેચરાજીમાં 1.5 ઇંચ અને વિજાપુરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જિલ્લા મથક મહેસાણામાં 1 ઇંચ, વિસનગરમાં 21 મીમી અને વડનગરમાં 11 મીમી વરસાદ નોંધાતા સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે.

 આ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ પણ ખોલી નાખી છે. ખાસ કરીને બહુચરાજીમાં આવેલા રેલવે અંડરપાસમાં દર વખતની જેમ આ વખતે પણ ભારે પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસમાં પાણી ભરાવાની આ કાયમી સમસ્યાને કારણે સ્થાનિકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો ભારે પરેશાનીમાં મુકાયા હતા. અનેક વાહનો પાણીમાં ફસાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો આ કાયમી મુશ્કેલીમાંથી વહેલી તકે કાયમી નિકાલ લાવવાની માગ કરી રહ્યા છે.