વરસાદ@મહેસાણા: 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં 62 ટકા વિસ્તારમાં વરસાદ નોંધાયો, જાણો વધુ વિગતે

આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના 62 ટકા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. જેમાં અરવલ્લીના ધનસુરામાં સૌથી વધુ સવા 3 ઇંચ અને સાબરકાંઠાના પ્રાંતિજમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહેસાણા જિલ્લામાં વિજાપુરમાં સવા 2 ઇંચ, વિસનગરમાં પોણો ઇંચ, જોટાણા અને કડીમાં અડધો-અડધો ઇંચ, જ્યારે મહેસાણામાં 4 અને ખેરાલુમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.

ઉત્તર ગુજરાતમાં ગત વર્ષે જુલાઇના પ્રથમ સપ્તાહમાં સરેરાશ 303 મીમી વરસાદ થયો હતો. તેની સામે ચાલુ સાલે સરેરાશ 101 મીમી વરસાદ થયો છે. એટલે કે સરેરાશ 202 મીમી વરસાદની અછત રહી છે. સૌથી વધુ ઘટાડો સાબરકાંઠા જિલ્લામાં 395 મીમી નોંધાયો છે, જ્યાં ગત વર્ષે 500 મીમી સામે માત્ર 105 મીમી વરસાદ થયો છે.

જ્યારે સૌથી ઓછો ઘટાડો પાટણમાં 45 મીમી છે, જ્યાં ગત વર્ષે 150 મીમી સામે આ વર્ષે 105 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત મહેસાણામાં 135 મીમી, બનાસકાંઠામાં 314 મીમી, વાવ-થરાદમાં 95 મીમી અને અરવલ્લીમાં 227 મીમી વરસાદની ઘટ છે.

વરસાદના પગલે મહત્તમ તાપમાન સવા બે ડિગ્રી ઘટીને 34.5 ડિગ્રીની આસપાસ પહોંચ્યું હતું, જોકે 75 ટકા જેટલા ઊંચા ભેજને કારણે લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના 51 થી 75 ટકા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં મધ્યમ મેઘગર્જના સાથે પ્રતિ કલાકે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે.