વરસાદ@ગુજરાત: આજે 6 જિલ્લા બાદ કરતા આખા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. રાજ્યભરમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવવાની શરૂઆત કરી દીધી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. આજે 6 જિલ્લા બાદ કરતા આખા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું, રાજ્ય પર મેઘરાજાની લાલ આંખ. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજના દિવસ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વર્ષે પ્રથમ વખત આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જ્યાં રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે જન્માષ્ટમીના પર્વની રાજ્યભરમાં ઉત્સાહભરે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે 26 ઓગસ્ટના જન્માષ્ટમીના દિવસે રાજ્યના અમરેલી, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
26 ઓગસ્ટના આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યભરમાં અતિ ભારે વરસાદની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી કરી છે, જેમાં 48 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વને લઈને લોકમેળો જામે છે, તેમાં વરસાદી વિઘ્ન આવતા ચારેકોર પાણી ભરાયાં હતાં, ત્યારે હજુ પણ આગામી પાંચ દિવસ આ પ્રકારની સ્થિતિ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
રાજ્ય ઉપર હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે, જેમાં રાજસ્થાનના જેસલમેર પર એક મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. જ્યારે દક્ષિણ ગુજરાત ઉપર ઓફ શોર ટ્રફની અસરને કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે બંગાળની ખાડી ઉપરનો લો-પ્રેશર આગળ વધીને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સક્રિય થયું છે. જે 27 તારીખ સુધીમાં ઉત્તરપૂર્વે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો સુધી પહોંચશે. હાલમાં આ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે, જેને કારણે થોડું વધારે સક્રિય થતાં ભારે વરસાદની સ્થિતિ લઈને ગુજરાત ઉપર આવી રહ્યું છે, ત્યારબાદ તે આગળ વધીને ઉત્તરપૂર્વીય અરબસાગર અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગો તરફ આગળ વધશે, જેથી આગામી દિવસોમાં હજુ પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેશે, ત્યારે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ સાથે આગાહી જાહેર કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેને કારણે ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આવતીકાલે જન્માષ્ટમીના તહેવાર પર સમગ્ર ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. તદુપરાંત આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદની તીવ્રતાને આધારે ત્રણ પ્રકારનાં એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેમાં આજે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવે વિવિધ વિભાગના નોડલ અધિકારીઓ ઉપરાંત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જિલ્લા કલેક્ટરો તેમજ મ્યુનિસિપલ કમિશનરોને જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું.
રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાને રાખી લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તે સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા મુખ્ય સચિવે જણાવ્યું હતું. વધુમાં, તમામ પ્રભારી સચિવોને પણ જરૂર જણાયે પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાના જિલ્લામાં હાજર રહી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા સૂચિત કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખી આગાહીવાળા જિલ્લાઓમાં પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ, NDRF અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના અધિકારીઓને પણ તકેદારીનાં પગલાં લેવા સૂચિત કરાયા હતા.
વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય, બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત્ થાય, વીજ પુરવઠો ખોરવાય તો સત્વરે પૂર્વવત્ થાય, ડેમમાં પાણીની આવક થતાં પાણીની સપાટીનું સતત મોનિટરિંગ થાય, તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા મુખ્ય સચિવોને આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતી રવિ તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર દ્વારા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવાયું હતું. રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તકેદારીનાં તમામ પગલાં ભરવા જરૂરી જણાવ્યું હતું.