વરસાદ@સુરત: 24 કલાકમા 14 ઇંચ વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાઈ, 4 ખાડી ઓવરફ્લો

કલેક્ટર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સુરત શહેરમાં છેલ્લા 24 કલાકમાં આશરે 14 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે કલેક્ટર તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઉધના, લિંબાયત, સચિન, પર્વત ગામ અને વરાછા સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની હતી. કટોકટીની આ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા આખી રાત જાગીને આપત્તિના કોલ અટેન્ડ કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરીને વધુ વેગ આપવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ 3 હેલિકોપ્ટરની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ પાછળથી સ્થિતિ નિયંત્રણમાં જણાતા અને હેલિકોપ્ટરની તાતી જરૂરિયાત ન જણાતા હાલ પૂરતું હેલિકોપ્ટર બોલાવવાનું માંડી વાળવામાં આવ્યું છે.

આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા કલેક્ટર કચેરીના સંકલન સાથે NDRFની 3 અને SDRFની 4 ટીમો દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પૂરના પાણીમાં ફસાયેલા આશરે 3400 જેટલા લોકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી તેઓને સલામત સ્થળોએ તેમજ કોમ્યુનિટી હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, જ્યાં તેઓને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. બીજી તરફ, જિલ્લા ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના નાયબ મામલતદાર સાજીદ મેરૂજીના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 દિવસમાં વરસાદી આફતને કારણે કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે અને 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં ઝાડ પડવાથી 2, વીજ કરંટ લાગવાથી 4, સચિન GIDCમાં પાણીમાં ડૂબી જવાથી 2 અને કામરેજમાં ખાડીમાં તણાઈ જવાથી 1 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.

6 જુલાઈએ બપોરના 3 વાગ્યાથી સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 6 જુલાઈએ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ 7 જુલાઈએ સવારે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજ પડતા પડતાં વરસાદનો આંક 13 ઈંચ સુધી પહોંચી ગયો હતો. શહેરના કેટલાક ઝોન તો એવા હતા કે જ્યાં માત્ર બે કલાકના ગાળામાં 5થી 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં 7 જુલાઈએ સવારે 6 વાગ્યા સુધીમાં 17 ઈંચ વરસાદ વરસ્યો હતો. 7 જુલાઈએ દિવસ દરમિયાન 13 ઈંચ વરસાદ વરસતા હવે સિઝનનો 30 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.

સુરત શહેરમાં તો ધોધમાર વરસાદ વરસ્યો જ. પણ સાથે જિલ્લાના કામરેજ, પલસાણા સહિતના વિસ્તારમાં પણ સાંબેલાધાર વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને ભયજનક સપાટીથી ઉપર વહેવા લાગી. જેના કારણે ખાડીની આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોનું સલામત સ્થળે રેસ્ક્યૂ કરવાની ફરજ પડી હતી.

બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તેમાં સ્લમ વિસ્તાર હોય કે પોશ કોઈ બાકાત ન રહ્યા. શહેરના કેટલાક વિસ્તાર એવા પણ છે કે જ્યાંના લોકોએ પહેલીવાર જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.